અમિત શાહ અમદાવાદમાં: દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનને બતાવશે લીલી ઝંડી

અમિત શાહ અમદાવાદમાં: દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનને બતાવશે લીલી ઝંડી

ભારતીય રેલવેમાં વૈકલ્પિક ઇંધણના ઉપયોગ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાવા જઈ રહ્યું છે. અમદાવાદના સાબરમતી ખાતે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ₹1,542 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને પ્રારંભ કરશે. આ કાર્યક્રમ દરમિયાન દેશની પ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવશે.

LNG અને ડીઝલ બંનેથી દોડશે ટ્રેન

નવી ડ્યુઅલ ફ્યુઅલ ટેક્નોલોજી હેઠળ ટ્રેનના એન્જિનને LNG તેમજ ડીઝલ બંને ઇંધણથી ચલાવી શકાશે. સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં 1,400 HP ક્ષમતાવાળા બે Driving Power Cars (DPC)ને ડીઝલ-LNG ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે.

રેલવેના જણાવ્યા મુજબ, LNGના ઉપયોગથી ડીઝલની ખપતમાં આશરે 40 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. બંને DPCનું 2,000 કિલોમીટરથી વધુનું ફિલ્ડ ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

દરેક DPCમાં આશરે 2,200 લિટરની LNG ટાંકી લગાવવામાં આવી છે. ટ્રાયલ દરમિયાન મળેલા આંકડા મુજબ સંપૂર્ણ ભરેલી ટાંકી સાથે એક DPC આશરે 444 કિલોમીટર સુધી દોડી શકે છે.

ઇંધણ ખર્ચ અને ઉત્સર્જનમાં ઘટાડાની આશા

LNGના ઉપયોગથી ડીઝલની જરૂરિયાત ઘટવાની સાથે ઇંધણ ખર્ચમાં પણ ઘટાડો થવાની અપેક્ષા છે. રેલવેના ટ્રાયલ આધારિત અંદાજ મુજબ એક DPC દીઠ વાર્ષિક આશરે ₹11.9 લાખ સુધીની બચત થઈ શકે છે. જ્યારે આઠ કોચના રેક માટે આ બચત આશરે ₹23.9 લાખ સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત LNGના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષક તત્ત્વોના ઉત્સર્જનમાં ઘટાડો થવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.

₹700 કરોડના WAG-12 મેન્ટેનન્સ શેડનું લોકાર્પણ

સાબરમતી ખાતે આશરે ₹700 કરોડના ખર્ચે તૈયાર થયેલા WAG-12 લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે. આ સુવિધામાં આશરે 12,000 HP ક્ષમતાવાળા 300 WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવના જાળવણી કાર્ય માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

સાબરમતી-સરખેજ રેલવે લાઇનનું દોહરીકરણ

કાર્યક્રમમાં સાબરમતી-સરખેજ રેલવે લાઇનના 21 કિલોમીટર માર્ગના દોહરીકરણના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. આશરે ₹313.27 કરોડના ખર્ચે હાથ ધરાનાર આ કામ માર્ચ 2028 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી, ગાંધીગ્રામ, વસ્ત્રાપુર અને સરખેજ સ્ટેશન સાથે જોડાયેલા વિવિધ કામો ઉપરાંત પુલ અને રોડ અંડરપાસ સંબંધિત કામગીરી પણ કરવામાં આવશે.

404 કિમીના નેટવર્કમાં કવચ સિસ્ટમ

અમદાવાદ-પાલનપુર અને અમદાવાદ-સામખિયાળી રેલવે વિભાગોમાં સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આશરે 404 કિલોમીટરના રેલવે નેટવર્કને આવરી લેતા આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹411 કરોડ છે.

આ ઉપરાંત સાબરમતી-કલોલ-ભાંડુ મોટીડાઉ અને સાબરમતી-સાણંદ-જખવાડા વિભાગોમાં ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમના કામોને પણ વેગ આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ્સથી રેલવેની સુરક્ષા, ટ્રેન સંચાલન ક્ષમતા, અવરજવર અને વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. ખાસ કરીને LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેનને ભારતીય રેલવેમાં ડીઝલના વિકલ્પ તરીકે LNGના ઉપયોગની દિશામાં મહત્વપૂર્ણ ટેક્નોલોજીકલ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *