
મુંબઈની મરીન ડ્રાઇવની સી-ગ્રીન હોટલમાંથી દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટલમાંથી ગુજરાતીમાં સુસાઇડ નોટ મળી છે, જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા અને મિજાજ માટે જાણીતા મોહન ડેલકરે આત્મહત્યા કરતાં સંઘ પ્રદેશમાં શોકનું મોજું ફળી વળ્યું છે.
સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો
59 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.
ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું
ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં નિમણૂક કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું હતું. લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલાં સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.
