મુંદરામાં એસઓજીની મોટી કાર્યવાહી: ₹89,250ના 1.785 કિગ્રા ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

મુંદરામાં એસઓજીની મોટી કાર્યવાહી: ₹89,250ના 1.785 કિગ્રા ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો

કચ્છ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ માદક પદાર્થો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે. મુંદરા વિસ્તારમાંથી બિહારના એક શખ્સને 1.785 કિલોગ્રામ ગાંજા અને મોબાઇલ ફોન સહિત કુલ ₹94,250ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે મુંદરા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, એસઓજીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે બિહારનો સાજનકુમાર નામનો વ્યક્તિ નવીનાળ-શિરાચા રોડ વચ્ચે આવેલી કોપર કંપની સામેના ખુલ્લા મેદાનમાં ગાંજાના જથ્થા સાથે આવવાનો છે. બાતમીના આધારે પી.આઇ. એમ.આર. શકોરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે પંચોને સાથે રાખી વોચ ગોઠવી હતી.
દરમિયાન બરસાના એસોસિયેટ કોલોની તરફ જતાં રોડ પરથી કોલેજ બેગ સાથે પસાર થઈ રહેલા શખ્સને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનું નામ સાજનકુમાર નારદ મંડલ (રહે. લક્ષ્મીનિયા, જિલ્લો પૂર્ણિયા, બિહાર) હોવાનું જણાવ્યું હતું.
તપાસ દરમિયાન તેની બેગમાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલો 1.785 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત ₹89,250, તેમજ ₹5,000 કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹94,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આ ગાંજો તેણે પોતાના વતન બિહારના લક્ષ્મીનિયા ગામમાં રહેતા રોહિતકુમાર મંડલ પાસેથી અંદાજે એક મહિના પહેલાં ₹9,500માં ખરીદ્યો હતો.
આ અંગે એસઓજીએ સાજનકુમાર નારદ મંડલ અને રોહિતકુમાર મંડલ સામે એનડીપીએસ એક્ટ હેઠળ મુંદરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર કામગીરીમાં એસઓજીના પી.આઇ. એમ.આર. શકોરિયા, પી.એસ.આઇ. ટી.બી. રબારી, એ.એસ.આઇ. ચેતનસિંહ જાડેજા, રજાક સોતા, સિદ્ધરાજસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવી, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી તથા ડ્રાઇવર-કોન્સ્ટેબલ મિતેશ રાજગોર સહિતની ટીમ જોડાઈ હતી.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *