
માળિયાના અણીયારી ટોલનાકે ટ્રકડ્રાઈવરને માર મારવાના બનાવમાં પોલીસ ફરિયાદ
ટોલનાકાના કર્મચારીઓએ માર મારતા વાહનચાલકો વિફર્યા હતા
ટ્રક ચાલકોએ વાહનો રોડ પર રાખી ચક્કાજામ કર્યા બાદ ફરિયાદ
માળિયા-હળવદ હાઈવે પર આવેલ અણીયારી ટોલનાકા પર મોડી રાત્રીના ટ્રક ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હોય જેથી ટ્રક રોડ પર રોકી દઈને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને બનાવ મામલે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અણીયારી ટોલનાકે કચ્છના ટ્રક ડ્રાઈવર ધનાભાઇ જગાભાઇ ક્લોતરા પોતાનો ટ્રક અણીયારી ટોલનાકા નજીક રાખીને નજીક હોટેલમાં ચા પીવા ગયા હોય ત્યારે ટોલનાકાના સિક્યુરીટી ગાર્ડ દ્વારા ટ્રક રોડ પરથી હટાવવા મામલે ડ્રાઈવર સાથે રકઝક થવા પામી હતી અને બાદમાં ત્રણ અજાણ્યા સિક્યુરીટી ગાર્ડ આવીને ટ્રક ડ્રાઈવર ધનાભાઇને માર માર્યો હતો જેથી અન્ય ટ્રક ચાલકોને રોકીને બનાવ અંગે જાણ કરતા ટ્રકચાલકોનો રોષ ભભૂક્યો હતો તેમજ બનાવના વિરોધમાં તમામ ટ્રક ચાલકોએ રોડ પર ટ્રક રાખી ચક્કાજામ કરી દીધો હતો જેથી માળિયા અમદાવાદ હાઈવે બંધ થયો હતો અને વાહનોની કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી

જે ઘટનાની જાણ થતા માળિયા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ટ્રક ચાલકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને ભોગ બનનાર ધનાભાઇ કલોતરાની ફરિયાદ નોંધતા મામલો થાળે પડ્યો હતો માળિયા પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હોય જેમાં માર મારનાર આરોપી સીદીક મોવર, સીદીક જેડા અને યારમહમદ મોવર હોવાનું તેમજ આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે