જો 2024માં ભાજપ નિષ્ફળ ગઈ તો કોંગ્રેસ જેવી હાલત થઈ શકે છે…!

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે 2014માં કોંગ્રેસ-મુક્ત ભારતનો રાજકીય નારો આપ્યો હતો. તેમાં પણ આંશિક સફળતા મળી હતી. 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસે ન માત્ર સૌથી ખરાબ પ્રદર્શન કર્યું, પરંતુ તેણે અનેક રાજ્યોમાંથી તેની સરકાર પણ ગુમાવી. જો કે આ દરમિયાન અનેક પ્રાદેશિક પક્ષોએ પોતાનું રાજકીય મેદાન જાળવી રાખ્યું હતું. ભાજપે રણનીતિ તરીકે કોંગ્રેસ પર જેટલો હુમલો કર્યો તેટલો તેમના પર નથી કર્યો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, ભાજપે સમગ્ર દેશમાં વિસ્તરણ કરવા અને વિવિધ રાજ્યોમાં પોતાના દમ પર સરકાર બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રાદેશિક પક્ષોને તેમના ગઢમાં પડકારવાનું શરૂ કરી દીધું છે. જેમાં પણ ભાજપને આંશિક સફળતા મળી. એટલા હવે સ્વાભાવિક છે કે પ્રાદેશિક પક્ષો પણ આક્રમક રીતે ભાજપની સામે આવી રહ્યા છે. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં જે પ્રાદેશિક પક્ષો ભાજપ પ્રત્યે પ્રમાણમાં નરમ વલણ ધરાવતા હતા તે હવે સૌથી વધુ આક્રમક બની રહ્યા છે. આ પાર્ટીઓને લાગે છે કે જો તેઓ 2024માં બીજેપીને રોકવામાં નિષ્ફળ જશે તો તેમને કોંગ્રેસની જેમ પોતાના જ ગઢમાં ઝૂઝવું પડી શકે છે.

મોટી લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય

ઉદયપુરમાં કોંગ્રેસના નવ સંકલ્પ શિવિરમાં રાહુલ ગાંધીએ પ્રાદેશિક પક્ષોની મર્યાદા ગણાવતા કહ્યું કે દેશમાં એકમાત્ર કોંગ્રેસ એવી છે જે ભાજપ અને સંઘ સાથે લડી શકે છે. રાહુલે કહ્યું કે પ્રાદેશિક પક્ષોની પોતાની જગ્યા છે, પરંતુ તેમની પાસે કોઈ વિચારધારા નથી. ભાજપ એ પણ જાણે છે કે પ્રાદેશિક પક્ષોને પ્રાદેશિક હિતો હોય છે, તેથી તેઓ તેને હરાવી શકતા નથી. 

રાહુલના આ નિવેદન પર સપા, આરજેડી, જેએમએમથી લઈને નેશનલ કોન્ફરન્સ અને સીપીએમ સુધીના તમામ પ્રાદેશિક પક્ષો તરફથી તીખી ટિપ્પણીઓ આવી હતી. પરંતુ બાદમાં નીતીશ કુમારથી લઈને શરદ પવાર સુધીના ઘણા નેતાઓ કોંગ્રેસ નેતૃત્વને મળ્યા હતા. તમામ પક્ષો સહમત થયા કે પહેલા તેઓએ પ્રાથમિકતા નક્કી કરવી પડશે. તે પછી બધાએ સંમતિ આપી હતી કે હાલ માટે તેઓએ પરસ્પર વિરોધાભાસને ભૂલીને મોટી લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

પ્રાદેશિક પક્ષ અને કોંગ્રેસ વચ્ચે અનેક પ્રસંગોએ વિરોધ થયો છે, એટલું જ નહીં પ્રાદેશિક પક્ષોએ પણ કોંગ્રેસથી અંતર જાળવવામાં પોતાનો ફાયદો ગણાવ્યો છે. આ પાછળ તેમનું પોતાનું કારણ પણ છે. મોટાભાગના પ્રાદેશિક પક્ષો, તેલંગાણા હોય કે આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ હોય કે મહારાષ્ટ્ર, કોંગ્રેસના પતનની કિંમત પર જ ઉભરી આવ્યા છે. જે રાજ્યોમાં કોંગ્રેસ નબળી પડી ત્યાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ વધ્યો. છેલ્લા ત્રણ દાયકાથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

તાજેતરનું ઉદાહરણ આમ આદમી પાર્ટી છે. બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઝારખંડ જેવા રાજ્યોમાં કોંગ્રેસમાંથી ઉભરી આવેલી વોટબેંક પર પોતાનો દબદબો રાખીને પ્રાદેશિક પક્ષો સ્થાપિત થયા. મોટા ભાગના પ્રાદેશિક પક્ષોનો વોટ આધાર કોંગ્રેસ જેવો જ છે. સ્વાભાવિક રીતે પ્રાદેશિક પક્ષોને લાગ્યું કે જો કોંગ્રેસનો ઉદય થશે તો એનું તેમનું નુકસાન થશે.

પ્રાદેશિક પક્ષ અને કોંગ્રેસ વચ્ચે એક જ વોટબેંક પર હક જમાવવાની લડાઈ ચૂંટણી પછી પણ દેખાઈ રહી છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે આ બધા માટે ભાજપ સામે લડવું એ પ્રાથમિક રાજકીય પડકાર બની ગયો છે. લગભગ એક દાયકાથી દેશની રાજનીતિના કેન્દ્રમાં રહેલો પક્ષ ભાજપ આ પ્રાદેશિક પક્ષો માટે મોટો ખતરો બની ગયો છે. આ ઉપરાંત ભાજપની જેમ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો પણ પોતપોતાની વોટબેંક બની ગયા. એવામાં હવે બહુકોણીય ચૂંટણીમાં કોની વોટબેંકને અસર થશે તેનું આકલન ખોટું પણ સાબિત થઈ શકે છે.

સંજોગો બદલાયા, સંબંધો બદલાયા

તેલંગાણામાં કેસીઆર કોંગ્રેસને તેમના સૌથી નજીકના વિરોધી માનતા હતા. અને આ દરમિયાન, છેલ્લા કેટલાક વર્ષોમાં, ભાજપ ત્યાં સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું હતું. આજની તારીખમાં કેસીઆર પોતાના રાજ્યમાં કોંગ્રેસ કરતાં ભાજપને વધુ ખતરો માને છે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં ઘણા વર્ષોથી મમતા બેનર્જી ડાબેરી-કોંગ્રેસને પોતાના મુખ્ય વિરોધી માનતા હતા.

કોંગ્રેસ તરફથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મમતાએ આ પક્ષોને નબળા પાડવા માટે ભાજપને જગ્યા આપી. પરંતુ આજની તારીખમાં, ભાજપ પશ્ચિમ બંગાળમાં માત્ર મુખ્ય વિપક્ષ નથી બન્યું, પરંતુ તેને રાજ્યમાં લગભગ 38 ટકા મત મળ્યા છે. એ જ રીતે, હવે ભાજપે પંજાબ, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે જ્યાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ રહ્યો છે.

ભાજપ ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યથી લઈને ઉત્તર-પૂર્વના નાના રાજ્યમાં પોતાના જ પ્રયાસોથી મોટી બની ચુકી છે જ્યાં વર્ષોથી પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ હતું. હવે ઉત્તર પ્રદેશમાં સપા કે બસપા જેવા મોટા પ્રાદેશિક પક્ષો સંઘર્ષ કરી રહ્યા છે જેમની પાસે એક સમયે સત્તાની ચાવી હતી. બિહારમાં પણ જેડીયુથી અલગ થયા બાદ ભાજપ પહેલીવાર જેડીયુ-આરજેડીને એકલા હાથે પડકાર ફેંકી રહી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેનાને બે ભાગમાં વહેંચવામાં સફળ રહ્યું છે. પ્રાદેશિક પક્ષો વચ્ચે ભાજપના અચાનક વધેલા પ્રભાવે આ ક્ષત્રપની ચિંતા વધી ગઈ છે. આની અસર એ થઈ છે કે આ પક્ષો તરફથી પ્રાદેશિક ઓળખ અથવા 2024માં વિપક્ષી એકતાની વાત થવા લાગી છે. એમ તો તેમનો રસ્તો સરળ નથી. પરંતુ તેમની પાસે ન તો બહુ રાજકીય વિકલ્પ છે કે ન તો વધુ સમય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *