
Kutch : સતાપરમાં ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ ઘરમાં રહેલા મહિલાની હત્યા કરતાં ચકચાર
અંજાર તાલુકાના સતાપર જૂના ગામમાં છેવાડે આવેલાં એક મકાનમાં ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સો મીઠીબેન હરિ પાંચા ઢીલા (આહીર) (ઉ.વ. 34) નામના મહિલાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાસી છૂટયા હતા. ધોળા દિવસે ચોરીના ઇરાદાથી આવેલા શખ્સોએ મહિલાની હત્યા નિપજાવતાં ચકચાર પ્રસરી હતી. સતાપર જૂના ગામમાં રહેતા હરિ પાંચા ઢીલા નામના યુવાન છકડો ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ફરિયાદીનાં પત્ની મીઠીબેન મનરેગા યોજનામાં મજૂરી અર્થે જતા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, તેમનો મોટો દીકરો ઉત્તમ ભચાઉ સ્વામિનારાયણ ગુરુકુળમાં તથા દીકરી પ્રિયંકા ગામની શાળામાં ધો. 7માં અભ્યાસ કરે છે. આ ફરિયાદી આજે સવારે નિત્ય ક્રમ મુજબ છકડો લઇને અંજાર કામધંધાર્થે ગયા હતા અને તેમનાં પત્ની મજૂરી અર્થે ગયા હતા. આ મહિલાને દરરોજ 11 વાગ્યે રાહતકામ મનરેગામાંથી છુટ્ટી મળતી હતી. તેમની દીકરી પ્રિયંકાની શાળા અગાઉ સવારની હતી અને આજથી તેની શાળાનો સમય 11 વાગ્યાનો થયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. ફરિયાદી હરિ આહીર અંજારથી યુરિયા ખાતર ભરી ગામના ભીમા દાનાની વાડીએ ઉતારી મીઠા પસવારિયા ગાય ભરવા ગયા હતા, જ્યાં ગાય છકડામાં ન ચડતાં આ ફરિયાદી પોતાના ઘરે જમવા આવી ગયા હતા. તેમનો ઘરનો બહારનો દરવાજો કડી લગાવ્યા વગર બંધ હતો. અંદરનો એક રૂમ અડધો ખુલ્લો હતો જ્યારે એક રૂમને અંદરથી કડી મારેલી હતી. ફરિયાદીએ પોતાનો સામાન ફ્રીઝ ઉપર મૂકી દરવાજાને ખોલી રૂમમાં જોતાં તેમનાં પત્ની મીઠીબેન પલંગ ઉપર પડયા હતા. ફરિયાદીને શરૂઆતમાં અંદાજ ન આવતાં તેમણે જમવાનું માગ્યું હતું પરંતુ પત્નીએ કોઇ પ્રત્યુત્તર ન આપતાં ફરિયાદી અંદર ગયા હતા.
ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હોવાનું બહાર આવ્યું
ફરિયાદી યુવકે પોતાની પત્નીના મોઢા ઉપર રહેલું ઓશિકું હટાવતાં તેમના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હોવાનું બહાર આવ્યું હતું તેમજ આ મહિલાનું મોઢું પણ કપડાં વડે બાંધેલું હોવાનું તથા ઇજાના કારણે લોહી વહી ગયું હોવાનું બહાર આવ્યું હતું. પોતાની પત્નીને આવી હાલતમાં જોઇ ફરિયાદી બેશુદ્ધ થઇ ગયા હતા અને બાદમાં રાડારાડ કરી આસપાસના લોકોને બોલાવ્યા હતા. બાજુમાં અડધા ખૂલેલા રૂમમાં જઇ તપાસ કરાતાં તેમાં રહેલા કબાટમાંથી સરસામાન બહાર કાઢી લેવાયો હતો અને તે વેરવિખેર હાલતમાં પડયો હતો. આ કબાટમાં ફરિયાદીના દીકરીના દાગીના અને અમુક રોકડ રકમ હોવાનું પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું. આ ચકચારી હત્યા અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ અહીં દોડી આવી હતી અને એફ.એસ.એલ., ડોગ સ્ક્વોડની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સવાર ના સમયે 11થી બપોરે 1.30ના અરસામાં ધોળા દિવસે ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ મહિલાની તીક્ષ્ણ હથિયારથી હત્યા નીપજાવતાં ભારે ચકચાર પ્રસરી હતી.
