‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં યોજાશે

સિડનીઃ આ વર્ષનો ‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં યોજાશે. આ જાહેરાત હરિયાણા સરકારે કરી છે. આ કાર્યક્રમ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ભગવદ્દ ગીતા’ના વૈશ્વિક પ્રચાર માટે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગીતા મહોત્સવ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા ભગવદ્દ ગીતાના કાલાતીત (અનંત) જ્ઞાનની એક ભવ્ય ઉજવણી સમાન હોય છે. આ કાર્યક્રમ જીવનના તમામ સ્તરના લોકોને એક જ મંચ પર એકત્ર કરે છે.’ આ મહોત્સવ અનેક વર્ષોથી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાતો રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં પણ યોજાય છે. ભૂતકાળમાં આ મહોત્સવ મોરિશિયસ, ઈંગ્લેન્ડ અને કેનેડામાં યોજવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ મહોત્સવ એસોસિએશન ઓફ હરિયાનવીઝ ઈન ઓસ્ટ્રેલિયા (એએચએ) અને કુરુક્ષેત્ર ડેવલપમેન્ટ બોર્ડ (કેડીબી)ના સંયુક્ત ઉપક્રમે તેમજ અન્ય સંસ્થાઓના સહયોગમાં યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે હરિયાણા સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *