
રાજકોટમાં ગવલીવાડનાં કોલેજવાડી-2માં રહેતો અને ધો.10માં અભ્યાસ કરતો તરૂણ પોતાના ઘરે એકલો હતો. ત્યારે રૂમ બંધ કરી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. ગઇકાલે તરુણને તેના પિતાએ સ્કૂલે જવાનું કહ્યુ હતું. ત્યારબાદ પરીવારજનો પ્રસંગમાં ગયા અને પાછળથી પગલું ભરી લીધું હતું. આપઘાતનાં કારણથી પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.
ગઈકાલે સાંજે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોલેજવાડી-2 માં રહેતો આદીત્ય શનીભાઇ રાઠોડ (ઉં.વ.15) નામના તરુણે પોતાના ઘરે સાંજના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. આદિત્ય બહેનનો એકનો એક ભાઇ હતો અને બહેનથી નાનો હતો. તેના પિતા LICમાં કામ કરતા હતા. પોતે ધો.10માં હોય પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
પાડોશીએ આદિત્યના પગ લટકતા જોઇ પિતાને ફોન કર્યો
તેમના બહેનની તાજેતરમાં જ સગાઇ થઇ હોય જેથી બનેવી સાથે ફરવા ગઇ હતી અને પરીવારજનો ઘર નજીક પ્રસંગમાં ગયા હતાં.
ગઇકાલે સાંજના સમયે પાડોશી તેના ઘરમાં ધુપદીપ કરતા હતા. ત્યારે આદીત્યનાં પગ લટકતી હાલતમાં જોવા મળતા તુરંત જ તેમના પિતાને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને આદીત્યને ઉતારીને સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી
આદિત્યનાં મોતથી પરીવારમાં અરેરાટી મચી ગઇ છે. તરૂણને હોસ્પિટલે લાવનાર સંજયભાઇનાં જણાવ્યા મુજબ હજુ ગઇકાલે જ તેમના પિતાએ આદીત્યને કહ્યું હતું કે તારે કાલે સ્કૂલે જવાનું છે અને સાંજે પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુપીના યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવન ટૂંંકાવ્યું હતું
થોડા દિવસ પહેલા રાજકોટના મવડી ગામમાં રહેતા યુપીના યુવાને આર્થિક ભીંસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. કણકોટ રોડ પર સ્મશાનની બાજુમાં બનેવી સાથે રહેતા પ્રેમ બાબુભાઇ નીશાદ (ઉં.વ.22)એ આર્થિક ભીંસથી કંટાળીને ઓરડીમાં સીમેન્ટની આડીમાં કપડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. મૃતક યુવાનનો મિત્ર તેને બોલાવવા માટે આવ્યો ત્યારે દરવાજો બંધ હતો. ખખડાવતા તેને દરવાજો ન ખોલતા દરવાજો તોડીને અંદર યુવાનને લટકતી હાલતમાં જોતા તેણે તાકીદે 108માં જાણ કરતા 108ની ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી.