
હે ભગવાન! કર્ણાટકમાં 7,000 કોલેજ વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ, રાજ્ય સરકારે લીધા કડક પગલાં
કર્ણાટકમાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 18થી 25 વર્ષની વયના આશરે 7,000 કોલેજ વિદ્યાર્થીઓ HIV પોઝિટિવ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ અને સરકાર હરકતમાં આવી ગયા છે.
કર્ણાટક સ્ટેટ એઇડ્સ પ્રિવેન્શન સોસાયટી (KSAPS)ના અહેવાલ બાદ રાજ્ય સરકારે તમામ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં HIV ટેસ્ટિંગ અને કાઉન્સેલિંગ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. યુવાનોમાં HIV સંક્રમણના વધતા કેસોને ધ્યાનમાં રાખીને જાગૃતિ અભિયાન પણ વધુ તેજ કરવામાં આવશે.

રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંગઠન (NACO)ના આંકડા મુજબ, દેશમાં HIV સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ બાદ કર્ણાટક ત્રીજા ક્રમે છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે સમયસર તપાસ, યોગ્ય કાઉન્સેલિંગ અને જાગૃતિ દ્વારા સંક્રમણને નિયંત્રિત કરી શકાય છે.
રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓમાં સુરક્ષિત જીવનશૈલી, HIV અંગે જાગૃતિ અને સમયસર આરોગ્ય તપાસ માટે વિશેષ કાર્યક્રમો ચલાવવાની સૂચના આપી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહી વૈજ્ઞાનિક માહિતી પર વિશ્વાસ રાખવા અને જરૂર જણાય ત્યારે સ્વૈચ્છિક HIV ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો