
અમદાવાદના વટવામાં હિટ એન્ડ રનની કરૂણ ઘટના: પૂરપાટ સ્કોર્પિયો કારે વૃદ્ધને કચડી નાખ્યા, સારવાર દરમિયાન મોત
અમદાવાદ: શહેરમાં બેફામ વાહનચાલકોનો આતંક સતત વધી રહ્યો છે. વટવા વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી સ્કોર્પિયો કારે રસ્તો ઓળંગી રહેલા 68 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર ચાલકે વાહન રોકવાને બદલે વૃદ્ધ પર કાર ચડાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય યુનુસભાઈ વોહરા સોમવારે મધરાતે લગભગ 12 વાગ્યે બીબી તળાવ ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વટવા ગામ તરફથી પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો કારના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુનુસભાઈ કારના બોનેટ પર પટકાયા હતા.
અકસ્માત બાદ પણ કાર ચાલકે માનવતા દાખવવાને બદલે વાહન રોક્યું નહીં અને નીચે પડેલા વૃદ્ધ પર જ કાર ચડાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુનુસભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર અકસ્માત કેદ થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા સ્કોર્પિયો કાર ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વાહનનો નંબર મેળવી લીધો છે. હાલ ફરાર આરોપી ચાલકને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને માર્ગ પર સાવચેતી રાખવાની અપીલ કરી છે, જ્યારે બેફામ અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ વ્યક્ત કરી છે.
