
આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કર્યા બાદ પ્રથમ વખત ઈશુદાન ગઢવી પોતાના મૂળ વતન પીપરિયા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સૌપ્રથમ ખંભાળિયા સોનલ ધામ ખાતે સોનલ માતાના દર્શન પૂજન કરી ત્યારબાદ ખંભાળિયાથી રેલી સ્વરૂપે તેમનો કાફલો પીપરીયા મુકામે કામઈ ધામ ખાતે પહોંચ્યો હતો જ્યાં તેમના દ્વારા માં કામાઈ માતાના આશીર્વાદ મેળવી હવન કરી પૂજન વિધિ કરવામાં આવી હતી જ્યાં તેમનું મોટી સંખ્યામાં દ્વારકા જિલ્લા તેમજ આસપાસના વિસ્તારના લોકોએ સન્માન કર્યું હતું ત્યારે ઈશુદાન ગઢવીએ ગુજરાતમાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે જણાવતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે ગુજરાતના ખેડૂત પુત્ર અને મારા જેવા સામાન્ય વ્યક્તિને ગુજરાતના લોકોએ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મુક્યો તે બદલ હું આભાવ વ્યક્ત કરું છું. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો માત્ર હું જ નહીં પરંતુ ગુજરાતની આઠ કરોડની જનતા પણ 8મી તારીખે સપથ ગ્રહણ કરશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની છે અને તે માટે પ્રચાર પણ તેજ ગતિથી કરી રહી છે. ગુજરાતમાં આ વર્ષે યોજાનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે સીધી ટક્કર જો કોઇ પાર્ટી આપતું હોય તો તે આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા તેમજ પ્રાદેશિક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે રેલીઓ કાઢી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાના 118 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.