ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું શંકાસ્પદ મૃત્યુ: નાઈટ ડ્યુટી બાદ ઘરે મૃત હાલતમાં મળી, સેક્ટર-7 પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનું શંકાસ્પદ મૃત્યુ: નાઈટ ડ્યુટી બાદ ઘરે મૃત હાલતમાં મળી, સેક્ટર-7 પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-3ડી વિસ્તારમાં રહેતી અને અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતી 28 વર્ષીય મહિલા લોકરક્ષક કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીનું તેમના નિવાસસ્થાને મૃત્યુ થતાં પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, જ્હાનવીબેન 14 સપ્ટેમ્બરની રાત્રે નાઈટ ડ્યુટી પૂર્ણ કરીને ગાંધીનગર ખાતે પોતાના ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ રૂમમાં હતા. લાંબા સમય સુધી રૂમમાંથી બહાર ન આવતા પરિવારજનોને શંકા જતા તપાસ કરવામાં આવી હતી, જેમાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં સેક્ટર-7 પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાની તપાસમાં FSLની મદદ પણ લેવામાં આવી રહી છે.

જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થયા હોવાનું સામે આવ્યું

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર પણ તેઓ સક્રિય હતા અને તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ

સેક્ટર-7 પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ સહિતના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે.

સેક્ટર-7 પોલીસના પીઆઈ એ.જી. સોલંકીના જણાવ્યા મુજબ, જ્હાનવીબેન ભાડાના મકાનમાં રહેતા હતા અને તેમના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. હાલના તબક્કે મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મૃતદેહની સ્થિતિને ધ્યાનમાં રાખીને મૃત્યુનો સમય જાણવા માટે FSL સહિતની મદદ લેવામાં આવી રહી છે.પોલીસે હાલ અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *