
બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: અમિત ચાવડાએ જિલ્લા સંગઠનની યાદી રદ કરી, ગુલાબસિંહ રાજપૂત બોલ્યા- ‘અમારે કોંગ્રેસ સામે નહીં, ભાજપ સામે લડવું છે’
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક મતભેદનો મુદ્દો ફરી એકવાર સપાટી પર આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જાહેર કરેલા જિલ્લા સંગઠનના માળખાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાને પગલે બંને નેતાઓ વચ્ચેનો મતભેદ ચર્ચાનો વિષય બન્યો છે.
ગુલાબસિંહ રાજપૂતે જાહેર કર્યું હતું જિલ્લા સંગઠનનું માળખું
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની નિમણૂકને એક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લા સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું ન હતું. આ દરમિયાન બે દિવસ પહેલાં ગુલાબસિંહ રાજપૂતે પોતાની તરફથી બનાસકાંઠા તેમજ વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરી હતી.
જાહેર કરાયેલા માળખામાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, પ્રવક્તા, કાર્યાલય મંત્રી સહિત વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. કુલ મળીને 200થી વધુ કાર્યકર્તાઓને અલગ-અલગ જવાબદારી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

અમિત ચાવડાએ યાદી રદ કરવાનો આદેશ આપ્યો
જિલ્લા કોંગ્રેસ સંગઠનની યાદી જાહેર થયા બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ નિમણૂકો સામે વાંધો વ્યક્ત કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસની મંજૂરી અથવા યોગ્ય ચર્ચા વિના સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું હોવાના મુદ્દે આ યાદીને તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ કાર્યવાહી બાદ બનાસકાંઠા કોંગ્રેસમાં આંતરિક મતભેદ વધુ ખુલ્લેઆમ સામે આવ્યો છે.
‘જિલ્લાનું માળખું જ ન હોય તો કામ કેવી રીતે થાય?’
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રમુખ બન્યા બાદથી સંગઠનની રચના અટકેલી હતી. તેમના જણાવ્યા પ્રમાણે સંગઠનનું માળખું ન હોય તો પાર્ટીનું કામ અસરકારક રીતે આગળ વધારવું મુશ્કેલ બને છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
તેમણે કેટલાક નેતાઓ પર પક્ષના સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ લીધું ન હતું.
‘યાદી કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈને જ બનાવી હતી’
ગુલાબસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ જાહેર કરવામાં આવેલી યાદી તૈયાર કરતા પહેલાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ જિલ્લા પ્રમુખો અને તાલુકા સમિતિઓ પાસેથી નામ અંગે અભિપ્રાય લેવામાં આવ્યા હતા.
તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસ માટે સક્રિય રીતે કામ કરનારા કાર્યકર્તાઓને સંગઠનમાં જવાબદારી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા નામોને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરીને ફેરફાર કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.
‘અમારે કોંગ્રેસ સામે નહીં, ભાજપ સામે લડવું છે’
અમિત ચાવડાની કાર્યવાહી બાદ ગુલાબસિંહ રાજપૂતે કડક શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમારે કોંગ્રેસ સામે નહીં, ભાજપ સામે લડવું છે.’
સાથે જ તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે જો તેમની કામગીરીથી પાર્ટીને મુશ્કેલી થઈ રહી હોય તો તેમને જિલ્લા પ્રમુખ પદેથી હટાવીને અન્ય કોઈને જવાબદારી સોંપવામાં આવે.
લોકસભા ચૂંટણીને લઈને પણ ઉઠાવ્યા સવાલ
ગુલાબસિંહ રાજપૂતે લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી વિરુદ્ધ કામ કરનારા કેટલાક લોકો સામે પણ આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ આવા લોકો હવે સંગઠનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે પ્રદેશ નેતૃત્વ ઉપરાંત કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય અધ્યક્ષ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ મુદ્દે પાર્ટી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે.
ગેનીબેન ઠાકોર સાથે પણ ચર્ચા થયાનો દાવો
ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે સંગઠનને લઈને ચાલી રહેલા વિવાદથી સ્થાનિક સ્તરે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.
હાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનની જાહેર કરાયેલી યાદી પ્રદેશ કોંગ્રેસ દ્વારા રદ કરવામાં આવતા આગામી દિવસોમાં સંગઠનની નવી રચના કેવી રીતે કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
