
મુંદરા અકસ્માતમાં યુવાનનું મોત, આદિપુર અને સામખિયાળીમાં બે અપમૃત્યુ

મુંદરા તાલુકાના પ્રાગપર ચોકડીથી થોડે દૂર પોર્ટ રોડ પર તા. 11 સપ્ટેમ્બરે બાઈક આડે કૂતરું આવી જતાં થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ભુજ તાલુકાના ભારાપરના યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આદિપુર અને સામખિયાળીમાં બે અલગ-અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભારાપર ગામનો મામદહુશેન હાસમ થેબા મુંદરા પોર્ટ ખાતે સુખદેવ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. તા. 11/9ના રોજ તે પોતાના કૌટુંબિક ભાઈ હારૂન અયુબ થેબા સાથે બાઈક નં. GJ-12-HH-9296 પર નોકરી પર જઈ રહ્યો હતો. હારૂન બાઈક ચલાવતો હતો, જ્યારે મામદહુશેન પાછળ બેઠો હતો. દરમિયાન પ્રાગપર ચોકડી નજીક પોર્ટ રોડ પર બાઈક આડે અચાનક કૂતરું આવી જતાં બંને બાઈક પરથી પટકાયા હતા.
અકસ્મતમાં મામદહુશેનને હાથ-પગ, પીઠ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માથામાં હેમરેજ હોવાનું નિદાન થતાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે સારવાર દરમિયાન તા. 13/9ના રોજ તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઈકચાલક હારૂનને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે બાઈકચાલક હારૂન વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ આદિપુરના મણિનગર વિસ્તારમાં મકાન નં. 105 ખાતે રહેતા 43 વર્ષીય કિશન મૂળજી ફફલનું અપમૃત્યુ થયું હતું. ગઈકાલે સાંજના સમયે તેઓ પોતાના ઘરે હતા, ત્યારે તેમણે ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમના પત્ની માવિત્રે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સામખિયાળીમાં પણ વધુ એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે. આંબલિયારા રોડ, શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતા મૂળ બિહારના 36 વર્ષીય મનીષકુમાર મમતાસિંઘ પોતાના રૂમમાં હતા. દરમિયાન તેમણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે સામખિયાળી પોલીસે નોંધ કરી છે અને ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
