
ગાંધીધામમાં 14 ઓગસ્ટે તિરંગા યાત્રા: કચ્છ કલેક્ટરે રૂટનું નિરીક્ષણ કરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી
ગાંધીધામ: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધીધામમાં આગામી 14 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 9 વાગ્યે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ સમગ્ર રૂટનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટરે મહાત્મા ગાંધી પ્રતિમા, ગાંધી માર્કેટથી શરૂ થનારી યાત્રાના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા મુખ્ય બજાર, ભાઈપ્રતાપજી સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા પાસેથી પસાર થઈ ઝંડાચોક ખાતે પૂર્ણ થશે.
ટ્રાફિક, સફાઈ અને પાણીની વ્યવસ્થાની સમીક્ષા
તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટરે વિવિધ વ્યવસ્થાઓ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. રૂટ પર સફાઈ માટે અલગ ટીમ, ટ્રાફિક વ્યવસ્થાપન, રૂટ ડાયવર્ઝન, પીવાના પાણીની સુવિધા, સામાજિક સંસ્થાઓના સ્ટોલ અને સ્ટેજ વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાથે પણ કલેક્ટરે ચર્ચા કરી હતી. યાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય સંકલન રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

BSF, પોલીસ અને વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે
આ તિરંગા યાત્રામાં ગાંધીધામ અને કચ્છના નાગરિકો ઉપરાંત BSF, મિલિટરી અને પેરામિલિટરી ફોર્સના જવાનો, પોલીસ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, NCC કેડેટ્સ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાવાની અપેક્ષા છે.
કલેક્ટર અનિલ રાણાવસિયાએ કચ્છના નાગરિકોને દેશભક્તિના આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અધિકારીઓની ઉપસ્થિતિ
રૂટ નિરીક્ષણ દરમિયાન અંજાર પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી, યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો