ઈતિહાસમાં પહેલીવાર બાંગ્લાદેશની ટ્રાન્સજેન્ડર ન્યૂઝ એન્કરે સમાચાર વાંચ્યા…

ટીવીમાં સમાચારો વાંચતા એન્કરોને તો આપણે બધાએ ઘણીબધી વાર જોયા હશે. એમાં કેટલાક પુરુષ હોય છે, તો કેટલીક મહિલાઓ, પરંતુ બાંગ્લાદેશમાં એક ટ્રાન્સજેન્ડર એન્કર બની છે, જેમણે અનોખું દૃષ્ટાંત સ્થાપિત કર્યું છે. બાંગ્લાદેશની આઝાદીને આજે 50 વર્ષ પૂરાં થયાં છે, આ અવસર પર પ્રથમ વખત ત્યાં એક ટ્રાન્સજેન્ડરને ન્યૂઝ એન્કર બનાવવામાં આવી છે. તેમનું નામ તશ્નુવા આનન શિશિર છે, જે મોડલ અને એક્ટર પણ છે. તેણે જ્યારે આત્મવિશ્વાસ સાથે બાંગ્લાદેશની એક નેશનલ ન્યૂઝ ચેનલ પર સમાચાર વાંચવાનું શરૂ કર્યું હતું ત્યારે સમાજની સંકીર્ણ વિચારસરણી પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે 4 વખત આત્મહત્યાના પ્રયાસો કર્યા પછી જીવનમાં આગળ વધવાની શરૂઆત કરી હતી.
પેટનો ખાડો પુરવા ઘણી મહેનત લાગતી
તેણે એકદમ આત્મવિશ્વાસની સાથે અન્ય એન્કરોની માફક સમાચાર વાંચીને ન્યૂઝ બુલેટિનને પૂરું કર્યું હતું. જેથી તેના સહકર્મચારીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. પોતાના પ્રથમ બુલેટિન પછી તે એટલી ભાવુક થઈ ગઈ કે તેની આંખમાંથી આંસુ સરી પડ્યાં હતાં. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બાંગ્લાદેશમાં લગભગ 1.5 મિલિયન ટ્રાન્સજેન્ડરો વસવાટ કરી રહ્યા છે. તેમને દેશની અંદર ઘણાબધા ભેદભાવો અને હિંસાનો પણ સામનો કરવો પડે છે. મજબૂરીમાં પોતાના પેટનો ખાડો પૂરવા માટે આ સમુદાયના લોકો ભીખ માગે, દેહ વેપાર કરે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાઈ જાય છે.

4 વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
તશ્નુવા આનન શિશિરે પોતાના એન્કરિંગની કારકિર્દીની શરૂઆત એક ખાનગી ન્યૂઝ ચેનલ બોઈશાખી ટીવીથી કરી હતી, જેમાં તેણે 3 મિનિટ સુધી સમાચાર વાંચીને એક યાદગાર પળને વિતાવી હતી. તેણે પોતાના અંગત જીવન અંગે જણાવ્યું હતું કે તે જ્યારે કિશોરાવસ્થામાં આવી ત્યારે તેને ખબર પડી હતી કે તે ટ્રાન્સજેન્ડર છે. તેની સાથે અનેક વર્ષો સુધી યૌનશોષણ અને ગેરવર્તણૂક કરવામાં આવી હતી. વધુમાં તેણે જણાવ્યું હતું કે આ પ્રકારના લોકોના વલણથી તેને એટલું અપમાનજનક લાગ્યું હતું કે 4 વાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પિતાએ પણ તશ્નુવા સાથે ઘણાં વર્ષો પહેલાંથી જ વાત કરવાનું બંધ કરી દીધું હતું. તે અત્યારે 29 વર્ષની છે. તે જ્યારે પોતાની સાચી ઓળખ સાથે સમાજનો સામનો કરવાની હાલતમાં નહોતી ત્યારે તેણે ઘર છોડી દીધું હતું. તે ઘર છોડીને બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રહેવા માટે પહોંચી ગઈ હતી.
સિનેમાઘરોમાં નોકરી કરી અભ્યાસ પૂરો કર્યો
ત્યાં તેણે હોર્મોન થેરપી પર કામ કરવાનું શરૂ કરી દીધું અને ઘર ચલાવવા માટે કામ કરવા લાગી હતી. આટલી બધી તકલીફોનો સામનો કર્યો તેમ છતાં તેણે સિનેમાઘરોમાં નોકરી કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. તેણે જાન્યુઆરીમાં જેમ્સ પી ગ્રાન્ટ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાંથી સાર્વજનિક સ્વાસ્થ્ય પર પોતાના માસ્ટરનો અભ્યાસ પૂરો કર્યો હતો. આ અભ્યાસ પૂર્ણ કરનાર તે પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા હતી. LGBT સમુદાયના લોકોને અત્યારના આધુનિક સમયમાં પણ ઘણાબધા ભેદભાવોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને સમલૈંગિક યૌન સંબંધ રાખવા બદલ હજુ પણ કઠોર કાયદાઓ છે અને તેવું કૃત્ય કરનારને ગંભીર સજાની પણ જોગવાઈ કરાય છે. બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારે 2013 પછી ટ્રાન્સજેન્ડર લોકોને એક અલગ લિંગના લોકો તરીકે ઓળખાણ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી તેમણે 2018માં ત્રીજા અલગ લિંગ રૂપે મતદાન કરવાનો અધિકાર આપી નોંધણી કરી હતી.
ત્યાં બોઈશાખી ટીવીના એક પ્રવક્તા જુલ્ફિકર અલી માણેકે કહ્યું હતું કે તેમની ચેનલે રૂઢિવાદી સમાજની વિચારસરણી ધરાવતા કેટલાક દર્શકોની પ્રતિક્રિયાનો વિચાર કર્યા વગર આ નિર્ણય લીધો હતો. તેમની પર આ પહેલ કરવા માટે ઘણુંબધું જોખમ પણ રહેલું હતું તેમ છતાં એક ટ્રાન્સજેન્ડરને તેમણે આ તક આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તશ્નુવાએ ઘણીબધી ચેનલોમાં ઓડિશનો આપ્યાં હતાં, પરંતુ માત્ર બોઈશાખી ટીવીએ જ તેમને કામ કરવાની અનુમતિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *