ગુજરાતનાં ઈતિહાસમાં પહેલીવાર શ્વાન માટે ડાયરો

પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરો યોજાવા જઈ રહ્યો છે. જેમાં ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવી ફરજિયાત છે.

અત્યાર સુધી તમે ગાયોનાં લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય તેવું જરૂર જોયું અને સાંભળ્યું હશે. પરંતુ પાટણમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર શ્વાન માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે પાટણમાં આ અનોખા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણના રોટલિયા હનુમાન મંદિરમાં આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયરામાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.

તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે

ડાયરો જોવા આવનારા તમામ વ્યક્તિએ 5 રોટલી લાવવાની રહેશે, રોટલી લાવનારા વ્યક્તિને જ ડાયરામાં પ્રવેશ અપાશે. ડાયરામાં જે રોટલા-રોટલી એકત્રિત થશે તે અબોલ શ્વાનોને ખવડાવવામાં આવશે.

કીર્તિદાન ગઢવીએ આપ્યું આમંત્રણ
સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવીએ લોકોને અપીલ કરતો વીડિયો બનાવીને ડાયરાનું આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ‘દુનિયાનું પ્રથમ એવું રોટલીયા હનુમાનદાદાનું મંદિર છે, જ્યાં પ્રસાદ તરીકે માત્ર રોટલો અને રોટલી ધરાવવવામાં આવે છે. આ રોટલો અને રોટલીનું મુંગા જીવોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. તો રોટલીયા હનુમાન મંદિર ખાતે 16 એપ્રિલને રવિવારના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. બધા પ્રસાદ તરીકે હનુમાનજી મહારાજને ચઢાવવા રોટલો અને રોટલી લઈને આવજો. જય માતાજી.’

રોટલીયા હનુમાન મંદિરનું મહત્વ

હનુમાનના નામની વાત કરવામાં આવે તો હનુમાન દાદાના અનેક નામ છે પણ રોટલીયા હનુમાન દાદા એ સમગ્ર જગતમાંનાં એકમાત્ર પાટણમાં છે. આ રોટલીયા હનુમાન અબોલ જીવોના પેટનો ખાડો પુરવાનું કામ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે હનુમાન દાદા અબોલ જીવોના પેટનો ખાડો કેવી રીતે પૂરતા હશે તો અમે આપને જણાવી દઈએ કે અહીં રોટલીયા હનુમાન મંદિરે હનુમાન દાદાને રોટલી કે રોટલા સિવાયનો અન્ય કોઈપણ જાતનો પ્રસાદ નથી ચઢતો.

હનુમાન દાદાને ચઢાવવામાં આવે છે રોટલા કે રોટલી


રોટલીયા હનુમાનની વિશાળ કાય પથ્થરમાંથી બનાવવામાં આવેલ પ્રભાવશાળી પ્રતિમા માર્ગ પરથી દર્શનાર્થીઓ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુ રોટલા કે રોટલીનો પ્રસાદ પહેલા ભગવાનને ચઢાવે છે ત્યારે એ રોટલી કે રોટલો નીચે ગર્ભ ગૃહમાં જતા રહે છે. જણાવી દઈએ કે ઉપર મંદિરથી ચઢાવવામાં આવેલા રોટલા રોટલી નીચે માળ એક મોટા વાસણમાં ભેગા થાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજ પડ્યે એ રોટલા રોટલીના પ્રસાદને શ્વાનો સહિતના અન્ય જીવોને પણ વિતરણ કરવામાં આવે છે. કેનાલની પાળે બનાવવામાં આવેલ રોટલીયા હનુમાન દાદાનું મંદિર એ આજે પાટણમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યુ છે. જણાવી દઈએ કે લોકો પોતાની બાધા માનતા મંદિરે આવીને રાખે છે અને તે માનતા પૂર્ણ થાય તો તેઓએ માનતામાં માનેલા 5, 11, 21, 51 કે 101 રોટલા કે રોટલી હનુમાન દાદાને ચઢાવે છે.

મંદિરમાં લગાવવામાં આવ્યું છે એક ઇલેક્ટ્રીક મશીન

જોકે પાટણ બહારથી આવતા શ્રદ્ધાળુઓ રોટલા કે રોટલી ભગવાનને અર્પણ કરી શકે તે માટે હવે મંદિર પટાંગણમાં અલાયદુ ઇલેક્ટ્રીક મશીન પર ચાલુ કરવામાં આવ્યુ છે સ્વીચ દબાવતાની સાથેજ અસંખ્ય રોટલીઓ ઘડીવારમાં તૈયાર થઈ જાય છે અને ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે. ભૂખ્યા અબોલ શ્વાનો પણ મંદિર બહાર પોતાના ભોજનની રાહ જોઈને બેઠા હોય તેમ ભગવાનને ચઢાવવામાં આવેલ રોટલા રોટલીનો પ્રસાદ આરોગી પોતાની ભૂખ ભાગી આનંદના ઓડકાર લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *