આદિપુરમાં બેફામ કાર ચલાવી પિતા-પુત્રનું મૃત્યુ નીપજાવનારા સામે કડક પગલાંની માંગ

આદિપુરમાં દુબઇ ટેક્સટાઇલ નગર પાસે બેફામ કારની હડફેટે પિતા-પુત્રનાં થયેલાં મોતનાં પ્રકરણમાં આરોપીઓની વહેલી તકે ધરપકડ ન થાય તો પોલીસવડાની કચેરીએ ધરણા કરવાની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આદિપુરમાં માતેલા સાંઢની માફક દોડતી કારની હડફેટે ચડતાં મયૂર (અનિલ) નારાણ થારૂ અને તેમના પુત્ર હયાને પોતાનો જીવ ખોયો હતો. આ અંગે કંડલા કોમ્પલેકસ મહેશ્વરી સમાજે પૂર્વ કચ્છ પોલીસવડા મયૂર પાટિલને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ શહેર અને સંકુલમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સાથો-સાથ નશાખોરીનું પ્રમાણપત્ર વધી ગયું છે. જેના કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે. દારૂ જેવી અનેક બદીઓનાં કારણે અનેક પરિવારોના માળા વિખાઇ ગયા છે. માથાભારે બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી કરતા હોય છે, આવા તત્ત્વોને પોલીસનો ભય નથી તથા આવા તત્ત્વો ઉપર પોલીસનો અંકુશ પણ નથી. કેફી પીણું પીને તથા ધૂમ સ્ટાઇલથી વાહન હંકારતા તત્ત્વોનાં વાહનોની હડફેટે નિર્દોષ લોકો પોતાનો જીવ ખોઇ રહ્યા છે. આ સંકુલમાં લાગેલા સી.સી. ટીવી કેમેરા નામ પૂરતા છે. કોઇના વહાલસોયાનો જીવ જાય ત્યારે નામ માત્ર માટે આવા કેમેરા તપાસવામાં આવે છે. બેફામ દોડતાં આવાં વાહનો સામે શા માટે કોઇ પગલાં લેવાતાં નથી તેવા પ્રશ્નો આવેદનપત્રમાં કરાયા હતા. આદિપુરના બનાવમાં યોગ્ય કાર્યવાહી કરી તટસ્થ પગલાં લેવા, બેદરકારી દાખવનારા તથા માનવતાને નેવે મૂકનારા આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી તથા આ આરોપીઓ વહેલી તકે ન પકડાય તો પોલીસવડાની કચેરીએ ધરણા કરવાની મૌખિક ચીમકી પણ આપવામાં આવી હતી. આ વેળાએ કંડલા કોમ્પ્લેકસ મહેશ્વરી સમાજના પ્રમુખ અશોકભાઇ વી. ઘેલા તથા કરશનભાઇ પી. દનિચા, જીવરાજભાઇ ડી. ભાંભી, હીરાભાઇ ધુવા, નાગશીભાઇ વી. નોરિયા, શિવજીભાઇ વિગોરા, રમેશભાઇ બળિયા, રામલાલ સિરોખા, બલરામભાઇ કન્નર, આર.ડી. માતંગ, પંકજભાઇ થારૂ, પ્રેમભાઇ ફુફલ, મનોજ સીજુ, પંકજ નોરિયા, કિશોર મતિયા, ધીજર દાફડા વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *