ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર

ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર

ગાંધીનગરના કલોલ તાલુકામાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પેથાપુરના 22 વર્ષીય દિશાંત ઉર્ફે દીપ શર્મા સામે પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, 6 ઓગસ્ટના રોજ સગીરા કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ માસીના ઘરે જવાની હતી. આ દરમિયાન આરોપી તેને બાઇક પર બેસાડીને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હોવાનો આક્ષેપ છે. ત્યાં દુષ્કર્મ બાદ સગીરાને ગંભીર રક્તસ્રાવ શરૂ થયો હતો અને ત્યારબાદ તે બેભાન થઈ ગઈ હતી.

સગીરાની સ્થિતિ ગંભીર બનતા આરોપીએ પોતાના પિતા ભરતભાઈને જાણ કરી હતી. ત્યારબાદ પિતા-પુત્ર સગીરાને રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલમાં લઈ ગયા હતા. આરોપીના પિતાએ સગીરાને પોતાની દીકરી હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ કરાવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.

બીજી તરફ, સગીરા મોડી સાંજ સુધી માસીના ઘરે ન પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે સગીરાની સ્થિતિ વધુ ગંભીર બનતા પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ આરોપી દિશાંત ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

સગીરાને અત્યાર સુધીમાં ચાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગંભીર રક્તસ્રાવ અને તેના કારણે થયેલા આંતરિક ઇન્ફેક્શનને પગલે તેની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. હાલ સગીરા છેલ્લા ત્રણ દિવસથી બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે અને તેને વધુ સારવાર માટે એડવાન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આરોપીની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો

પેથાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર દેસાઈના જણાવ્યા મુજબ, આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. દુષ્કર્મનું ચોક્કસ સ્થળ જાણવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામૂહિક દુષ્કર્મની શક્યતા હાલ નકારવામાં આવી છે. જોકે, સગીરાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તે ભાનમાં આવ્યા બાદ ઘટનાને લગતી વધુ વિગતો સામે આવી શકે છે.

પેથાપુર પોલીસે પોક્સો એક્ટ સહિતની લાગુ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *