અમદાવાદ: માં ધાબા પર ચાલતી વિદ્યાર્થિનીને સિક્યોરિટી ગાર્ડે ગળું દબાવી દુષ્કર્મ આચર્યું, 4 દિવસ પહેલા જોડાયો અને યુવતીને પીંખી

અમદાવાદ: માં ધાબા પર ચાલતી વિદ્યાર્થિનીને સિક્યોરિટી ગાર્ડે ગળું દબાવી દુષ્કર્મ આચર્યું, 4 દિવસ પહેલા જોડાયો અને યુવતીને પીંખી

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વિદ્યાર્થિની સાથે સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થિની રાત્રિના સમયે સોસાયટીના ધાબા પર ચાલવા ગઈ હતી. આ દરમિયાન સિક્યોરિટી ગાર્ડ ત્યાં પહોંચ્યો હતો અને ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આરોપીએ વાયર વડે યુવતીનું ગળું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ છે. ત્યારબાદ યુવતીને ધાબા પર જ લોક કરીને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

યુવતીએ મદદ માટે બૂમાબૂમ કરતાં નીચે રહેતા મકાનમાલિકો ધાબા પર પહોંચ્યા હતા અને દરવાજો ખોલી પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસ, LCB ઝોન-7 અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની 10થી વધુ ટીમોએ તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે પોલીસે હેબતપુર વિસ્તારમાંથી ધરમસિંહ રામશંકરસિંહ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના હરદોઈનો હોવાનું અને છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ઘટના બન્યાના માત્ર થોડા દિવસ પહેલાં જ ‘એવન સિક્યોરિટી એજન્સી’માં જોડાયો હતો. પોલીસ વેરિફિકેશન અને પૂરતી તાલીમ વિના તેને સોસાયટીમાં ગાર્ડ તરીકે મૂકવામાં આવ્યો હોવાની પણ તપાસ ચાલી રહી છે. એજન્સીની બેદરકારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

પોલીસે યુવતીને તાત્કાલિક મેડિકલ સારવાર અપાવી છે. ઘટનાસ્થળેથી FSL ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. મેડિકલ તપાસ અને DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કેસમાં ઝડપથી ચાર્જશીટ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ બનાવ બાદ પોલીસે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને અપીલ કરી છે કે સિક્યોરિટી ગાર્ડની સંપૂર્ણ માહિતી મેળવવા ઉપરાંત તેમનું પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત રીતે કરાવે, જેથી ગુનાઈત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *