
વડોદરાના 6 યુવકોના કરુણ મોત: ઉજ્જૈન મહાકાલના દર્શન કરી પરત ફરતા રોંગ સાઈડથી આવતી ટ્રકે કારને કચડી
ધાર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર રવિવારે, 9 ઓગસ્ટે બપોરે આશરે 1 વાગ્યાના અરસામાં પંચકવસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના વડોદરાના 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરાના યુવકો કારમાં ઉજ્જૈન ખાતે આવેલા મહાકાલ મંદિરના દર્શન કરીને ગુજરાત પરત ફરી રહ્યા હતા. દરમિયાન બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઈવે પર પંચકવસા ગામ નજીક તેમની કારની સામે રોંગ સાઈડથી આવી રહેલી લોખંડના સામાનથી ભરેલી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. કારમાં સવાર 6 યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ગ્રામજનો અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કારની સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સ્થાનિક ગ્રામજનો અને પોલીસે કારના કાચ તોડીને મૃતકો તથા ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢ્યા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે બદનાવરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ટ્રકચાલક અકસ્માત બાદ ફરાર
અકસમાત બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી ફરાર ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે મૃતક યુવકોની ઓળખ કરી તેમના પરિવારજનોને અકસ્માતની જાણ કરી છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો. જોકે, પોલીસની કામગીરી બાદ ટ્રાફિકને ફરીથી પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
