
કચ્છમાં ફરી ભૂકંપ, 3.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી; રાપર નજીક નોંધાયું કેન્દ્રબિંદુ
કચ્છ જિલ્લામાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રાપર અને આસપાસના વિસ્તારોમાં બપોરના સમયે ધરા ધ્રૂજી ઊઠી હતી. સિઝમોલોજી રિસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ, આજે 9 ઓગસ્ટે બપોરે 1:34 વાગ્યે 3.3 એની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
રાપરથી 15 કિ.મી. દૂર હતું કેન્દ્રબિંદુ
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ (WSW) દિશામાં આશરે 15 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી આશરે 15 કિલોમીટર નીચે હોવાનું નોંધાયું છે.
ભૂકંપના આંચકાની અસર રાપર અને આસપાસના વિસ્તારોમાં અનુભવાઈ હતી. અચાનક ધરા ધ્રૂજતાં સ્થાનિક લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
કચ્છમાં વારંવાર અનુભવાઈ રહ્યા છે ભૂકંપના આંચકા
કચ્છ ભૂકંપપ્રવણ વિસ્તાર હોવાથી અહીં અવારનવાર નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આજે નોંધાયેલો 3.3ની તીવ્રતાનો આંચકો પણ આ જ ભૂકંપીય ગતિવિધિનો એક ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
