CORONA : ચીન કોરોના મહામારીના તથ્યો છુપાવવા બદલ ચીનને 24 અબજ ડૉલરનો દંડ, અમેરિકન જજનો ચુકાદો

CORONA : વિશ્વભરમાંથી કરોડોના જીવ લેનારી કોવિડ મહામારી માટે અમેરિકાની ફેડરલ કોર્ટે ચીનને દોષિત ઠેરવ્યું છે. જેના માટે ચીનને 24 અબજ ડોલરથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. ફેડરલ કોર્ટના જજે શુક્રવારે આ મામલે ચુકાદો આપતાં ચીનને કોવિડ મહામારીના તથ્યો છુપાવવા, વિશ્વને ગેરમાર્ગે દોરવા બદલ અને સુરક્ષાત્મક ઉપકરણોનો સંગ્રહ બદલ દોષિત ઠેરવ્યો છે.
ચીન પર 24 અબજ ડોલરથી વધુ દંડ
મિસૌરીના અધિકારી ચીનની સંપત્તિઓ જપ્ત કરી શકે છે. મહામારીના પ્રારંભિક દિવસોમાં એપ્રિલ, 2020માં મિસૌરી એટર્ની જનરલના કાર્યાલય દ્વારા દાખલ કેસમાં ચીનની સરકાર પર વાઈરસના ફેલાવા વિશે માહિતી છુપાવવા તેમજ વિશ્વના અન્ય હિસ્સામાંથી પર્સનલ કેર, પીપીઈ, સુરક્ષા ઉપકરણોનો સંગ્રહ કરી વિશ્વમાં પુરવઠાની અછત ઉભી કરવાનો આરોપ હતો.
ચીનની હેલ્થ એજન્સી વિરૂદ્ધ આપ્યો ચુકાદો
CORONA : ચીનની કોવિડથી રક્ષણ આપતાં ઉપકરણોની જમાખોરીના કારણે અમેરિકામાં વાઈરસનો સામનો કરવા માટે મેડિકલ સર્વિસ પ્રોવાઈડર પાસે પર્યાપ્ત પુરવઠો રહ્યો ન હતો. નવો પુરવઠો ખરીદવો પણ મુશ્કેલ બન્યો હતો. મિસૌરીના પૂર્વ જિલ્લાની અમેરિકાની કોર્ટના જજ લિંબાધે ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી, સ્થાનિક સરકાર, સહિત દેશની સ્વાસ્થ્ય એજન્સી અને એક રિસર્ચ સેન્ટર વિરૂદ્ધ આ ચુકાદો આપ્યો છે.
ચીને કોર્ટમાં હાજર થવાનો ઈનકાર કર્યો
CORONA : મિસૌરીના એટર્ની જનરલ એન્ડ્રયુ બેલીએ જણાવ્યું કે, ચીને કોર્ટમાં હાજર થવાનો ઈનકાર કર્યો હતો. જો કે, તેની ગેરહાજરીથી તે વિશ્વ પર આવેલા અગણિત દુખ અને આર્થિક નુકસાનથી બચી શકશે નહીં. અમે ચીનની માલિકીની સંપત્તિઓ જપ્ત કરી દંડની રકમ વસૂલ કરીશું. 2020માં આ કેસ નોંધાયો હતો. તેના થોડા સમય બાદ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ કેસ નકામો છે, અને તેનો કાયદાકીય કોઈ આધાર નથી.