હેપ્પી યુથ ક્લબ અને શ્રી રાજપૂત સમાજ – ગાંધીનગર દ્વારા તા.૨૨ થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન દરરોજ સવારે ૬.૦૦ થી ૭.૩૦ કલાક દરમ્યાન સેક્ટર-૧૨માં શ્રી રાજપૂત ભવન ખાતે વિના મૂલ્યે “હેપ્પી જીવન યોગ સેમિનાર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં ગાંધીનગરના યોગ સેવક વિરમદેવ આર્ય દ્વારા વિના મૂલ્યે યોગ નિદર્શનની સેવા પૂરી પાડવા બદલ ગાંધીનગર મહાનગર પાલિકાના નવનિયુક્ત ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી રાજપૂત સમાજના મહામંત્રી પ્રદીપસિંહ બિહોલા અને ગુજરાત બિહોલા રાજપૂત સમાજના ઉપપ્રમુખ દિલીપસિંહ બિહોલા ઉપસ્થિત રહયા હતા.
હેપ્પી જીવન યોગ સેમિનાર”ના સમાપન કાર્યક્રમમાં હેપ્પી યૂથ ક્લબના કોષાધ્યક્ષ ભાવના રામી દ્વારા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રેમલસિંહ ગોલના હસ્તે યોગ સેવક વિરમભાઇ ચૌહાણને પ્રશસ્તિ પત્ર, સ્વામી વિવેકનંદનું પુસ્તક તથા શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવ્યા હતા. ડેપ્યુટી મેયરે જીવન યોગ સેમિનારને બિરદાવતા ગાંધીનગરમાં કોઈપણ સારી પ્રવૃત્તિને પ્રત્સાહન આપવામાં તેઓ હમેશ તૈયાર રહેશે તેવું જણાવ્યુ હતું. આ પ્રસંગે પ્રદીપસિંહ બિહોલાએ આ પ્રસંગે યોગ-પ્રાણાયામનું મહત્વ સમજાવ્યું હતું અને દિલીપસિંહ બિહોલાએ આભાર દર્શન વ્યક્ત કર્યું હતું. હેપ્પી જીવન યોગ સેમિનારમાં ભાગ લેનાર તમામ યોગાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. “હેપ્પી જીવન યોગ સેમિનાર”માં ભાગ લેનાર યોગાર્થીઓએ યોગ સેમિનારમાં ભાગ લેવાના કારણે તેમના આત્મ વિશ્વાસ, ધૈર્ય શક્તિ, સંકલ્પ શક્તિ, માનસિક શાંતિ, રચનાત્મક અભિગમ, શારીરીક અને આધ્યાત્મિક શક્તિ વગેરેમાં વધારો થયો હોવાનો તેમજ યોગ-પ્રાણાયામ દ્વારા વિવિધ શારીરિક રોગ તથા હતાશા-નિરાશા-તણાવ જેવી માનસિક તકલીફોમાં ફાયદો થયો હોવાનો દાવો કર્યો હતો.

