અરણ્ય ભવન ખાતે વૃક્ષ ઉછેર પ્રત્યે ઉત્સાહી ખેડૂતોને લાભ વિતરણનો ઓનલાઈન ડિઝીટલ પેમેન્ટ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર :

અરણ્ય ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલ વન વિભાગની યોજનાઓ અંતર્ગત રાજયના વૃક્ષ ઉછેર પ્રત્યે ઉત્સાહી ખેડૂતોને લાભ વિતરણના ઓન લાઇન ડિઝીટલ પેમેન્ટ કાર્યક્રમમાં બોલતાં રાજયના વન, આદિજાતિ અને મહિલા બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે,ગીરના સિંહોથી ઓળખાતા  ગુજરાતને કિલન અને ગ્રીન બનાવવા લોકોમાં વૃક્ષ સંવર્ધનની જાગૃતિ આવે તે દિશામાં  રાજય સરકારના પ્રયાસો થઇ રહ્યા છે, ડિઝીટલ પેમેન્ટ થકી એગ્રો ફોરેસ્ટ્રીના ૫૩૬૩ ખેડૂતોના બેંક ખાતામાં ઓનલાઇન રૂા.૨૫૩.૩૦ લાખ ટ્રાન્સફર કરવા માટેનું પગલુ વન વિભાગ દ્વારા લેવામાં આવ્યું છે. તે ખરેખર આવકાર દાયક અને અન્ય રાજયો માટે પ્રેરણારૂપ છે.

વનવિભાગ દ્વારા ચાલતી રાજય સરકારની વિવિધ યોજનામાં ૫૦% થી વધુ જીવંત રોપા ધરાવતા ખેડૂત લાભાર્થીઓને દર વર્ષે રૂા.૨૦,૦૦૦/- પ્રતિ હેકટર સહાય પેટે અને રોડ સાઇડ, રેલ્વે સાઇડ, કેનાલ સાઇડ કરવામાં આવેલ વાવેતરો પરીપકવ થતા તેની કાપણી થયા બાદ થયેલ ઉપજમાંથી ખર્ચ બાદ કરી ચોખ્ખી ઉપજના ૫૦% રકમ સંલગ્ન તાલુકા પંચાયતને તેમના સ્થાનિક વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે. તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતોએ પટ્ટી વાવેતર તથા ગ્રામવનો દ્વારા ૧૨ કરોડનો લાભ મેળવેલ છે. ચાલુ વર્ષે વનીકરણ યોજના અંતર્ગત રાજયમાં વન વિસ્તાર બહાર કુલ ૨૫૨૦૬ હેકટર વિસ્તારમાં ૧૯૭.૬૪ લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે.

રાજયના તમામ ખેડૂત મિત્રોને ગુજરાત રાજય વન વિભાગની સામાજીક વનીકરણની જુદી જુદી યોજનાઓ અંતર્ગત ચાલુ વર્ષે ૨૭૧૨૧ લાભાર્થી  ખેડૂતોને રૂપિયા ૧૭,૨૨,૭૬,૭૧૮/-નો લાભ આપવામાં આવ્યો છે તેમ જણાવી તેમણે તમામ ફોરેસ્ટ્રી ઇન્ડસ્ટીઝ જોડીને ગ્રીનબેલ્ટ બનાવવા આહવાન કર્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે,ચાલુ વર્ષે ગુજરાત રાજયમાં જુદા જુદા સ્થળોએ આવેલ વન વિભાગની નર્સરીઓમાં વિવિધ પ્રકારના કુલ ૧૦.૦૭ કરોડ રોપાનું વિતરણ કરવામાં આવ્યુ  છે. રાજય સરકાર દ્વારા સને ૨૦૦૪માં કરવામાં આવેલ ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતા. જે વર્ષ ૨૦૧૭માં હાથ ધરવામાં આવેલ અભ્યાસ મુજબ ૩૪.૩૫ કરોડ થવા પામેલ છે. આમ, વન બહારના વિસ્તારમાં વૃક્ષોની સંખ્યામાં છેલ્લા ૧૩ વર્ષ ૩૭% જેટલો વધારો થયો છે.

ગુજરાત રાજયના દરિયા કિનારાના રક્ષક એવા ચેરના વનોમાં સતત વધારો ધરાવતું ગુજરાતએ દેશનું એકમાત્ર રાજય છે. ચેર વિસ્તારનો વ્યાપ વર્ષ ૧૯૮૭માં ૪૨૭ ચો.કિ.મી.થી વધીને વર્ષ ૨૦૧૯માં ૧૧૭૭ ચો.કી.મી. થયો છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર ઓછો છે પરંતુ વનો બહારના વૃક્ષાચ્છાદિત વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં ભારતમાં બીજા નંબરે છે.  અને ગુજરાતનું જંગલ ગિરના સિંહોથી ઓળખાય છે.

આ પ્રસંગે આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું કે પૃથ્વી પર સારુ જીવન જીવવા ઓક્સિજન પેદા કરતા વૃક્ષોનું સંવર્ધન કરવું જરૂરી છે. રાજયમાં ૨૧ ટકા વનો હોવા જોઇએ, જે ગુજરાતમાં ૧૧.૫૪ ટકા છે સામાજિક વનીકરણમાં ૩૪ કરોડ વૃક્ષો છે. જેના કારણો પર્યાવરણ જાળવવામાં અગત્યનો ભાગ રહ્યો છે. ખેડૂતોને સામાજિક વનીકરણ દ્વારા ફોરેસ્ટ્રી ઇન્ડસ્ટ્રીમાં જોડયા છે. જે પોતાની પડતર જમીનમાં વૃક્ષો વાવીને રોજગારી મેળવી રહ્યાં છે.

શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતાં અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વન વિભાગના વડા ડૉ.ડી.કે.આચાર્યએ કહ્યું હતું કે, દેશમાં ૨૩ ટકા વન વિસ્તાર છે. ગુજરાતમાં ૧૧ ટકા છે. ૨૦૧૯માં વન વિસ્તારમાં ૧૦૦ કી.મી.નો વધારો થયો છે. રાજયમાં લાકડા આધારિત ફોરેસ્ટ્રીના ખેડૂતોને તેનું માર્કેટ મળે તે માટે એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વધારો થઇ રહ્યો છે.

મંત્રી અને મહાનુભાવોએ શરૂઆતમાં દીપ પ્રાગટય કરી ખેડૂતોના જીવનમાં સમૃદ્ધતા અજવાળા કર્યા હતા. અને લાભાર્થી  ખેડૂતોના ખાતામાં ON Line  પેમેન્ટનુ બટન દબાવી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રામ કુમાર સામાજિક વનીકરણ, વન વિભાગના વરિષ્ઠ વનસંરક્ષકશ્રીઓ તેમજ જિલ્લા કક્ષાએ DCF અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં આભાર વિધિ ભરૂચ સામાજીક જનીકરણ વર્તુળના વન સંરક્ષક શશી કુમારે કરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *