અમદાવાદ: જુહાપુરામાં મેગા ડિમોલિશન: ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના એસ્ટેટ વિભાગ દ્વારા ગુરુવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં ગેરકાયદે ઊભી કરાયેલી કેટલાક રહેણાંક બિલ્ડિંગ અને કોમર્શિયલ બાંધકામ સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરી તોડી પડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. 

રહીશો અને અધિકારીઓ વચ્ચે થઈ બોલાચાલી

માહિતી મુજબ, એએમસીના એસ્ટેટ વિભાગે ગુરુવારે શહેરના મકતમપુરા વોર્ડના જુહાપુરા વિસ્તારમાં આવેલી ફતેહવાડી કેનાલ પાસે ગેરકાયદે બનેલા રહેણાંક બિલ્ડિંગ અને કેટલાક કોમર્શિયલ બાંધકામ સામે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. વિભાગે ગેરકાયદે બનેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી તોડી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ વિભાગની ટીમ સાથે પોલીસની ટીમ પર હાજર રહી હતી. જોકે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન સ્થાનિકો રહીશો અને વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. રહીશો દ્વારા આ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો હતો. 

ગેરકાયદે થયેલા બાંધકામ સામે ઝુંબેશ

જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી એએમસી દ્વારા શહેરમાં ગેરકાયદે થયેલા બાંધકામ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ વિવિધ વિસ્તારમાં સર્ચ કરી ગેરકાયદે ઊભી કરેલી બિલ્ડિંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે. ગેરકાયદે થતા બાધંકામના કારણે અનેક સમસ્યાઓ ઊભી રહી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ ગેરકાયદે બાંધકામો સામે લાલ આંખ કરી છે અને આવા બાંધકામો કરનારા સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *