અમદાવાદમાં મેઘરાજાની ધડબટાટી: વટવા-લાંભામાં 8 કલાકમાં સાડા 5 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદમાં મેઘરાજાની ધડબટાટી: વટવા-લાંભામાં 8 કલાકમાં સાડા 5 ઈંચથી વધુ વરસાદ

અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે 14 સપ્ટેમ્બરે વહેલી સવારથી સતત વરસાદ વરસતાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરી-ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકમાં વટવામાં 5.61 ઈંચ અને લાંભામાં 5.53 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બોપલમાં 5.24, સરખેજ અર્બન હેલ્થમાં 5.12 અને મક્તમપુરામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શેલા વિસ્તારમાં એકલવ્ય સ્કૂલની બસ પાણીમાં બંધ પડી હતી. બસમાં 20થી વધુ વિદ્યાર્થીઓ સવાર હતા. બાદમાં બીજી બસ મોકલી વિદ્યાર્થીઓને સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.

વરસાદને પગલે અમદાવાદની શાળાઓ અંગે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા શિક્ષણ વિભાગે સૂચના આપી છે. શાળા સંચાલકોને વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને પ્રાથમિકતા આપી શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે યોગ્ય નિર્ણય કરવા જણાવાયું છે.

નારોલ-સરખેજ હાઇવે નજીકની કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા કેચપીટોની સફાઈ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હોવાના આક્ષેપો થયા છે.

નેહરુનગર ST પિકઅપ સ્ટેન્ડમાં પાણી ભરાતાં મુસાફરો પરેશાન થયા હતા. નેહરુનગરથી કેશવબાગ તરફના માર્ગ પર પણ પાણી ભરાવાને કારણે ટ્રાફિક ધીમો પડ્યો હતો.

પૂર્વ અમદાવાદના ભાઈપુરા-હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. હાટકેશ્વરના 132 ફૂટ રિંગ રોડથી ગુરુજી બ્રિજ સુધીના માર્ગ તેમજ ખારીકટ કેનાલ નજીકની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા.

દરમિયાન ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ અને એસ.પી. રિંગ રોડ પરનો મોહમ્મદપુરા અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. એસ.જી. હાઇવે પર ઈસ્કોનથી કર્ણાવતી ક્લબ તરફ વાહનોની ગતિ ધીમી રહી હતી. વાસણા બેરેજના કેટલાક ગેટ ખોલવામાં આવ્યા હતા.

હવામાનની અસરથી અમદાવાદમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ સુધી પહોંચ્યો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી પણ પડકારરૂપ બની છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *