
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલા પેસેન્જરના ટ્રોલી બેગમાંથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સ તસ્કરી વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. 28 જૂનના રોજ બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટ દ્વારા અમદાવાદ આવેલા એક પેસેન્જરની ટ્રોલી બેગમાંથી આશરે 10.9 કિલોગ્રામ (10,911 ગ્રામ) હાઈડ્રોપોનિક મારીજુઆના (ડ્રગ્સ) મળી આવ્યું છે.
ગુજરાતના અમદાવાદમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ માફિયાઓ વિરૂદ્ધ ડિજિટલ અને મેન્યુઅલ મોનિટરિંગ દ્વારા મોટી સફળતા મેળવી છે. બેંગકોકથી અમદાવાદ પહોંચેલી ફ્લાઈટના મુસાફરોની રૂટિન તપાસ ચાલી રહી હતી, તે દરમિયાન કસ્ટમ્સના સ્નિફર ડોગે એક ટ્રોલી બેગ પાસે જઈને શંકાસ્પદ સિગ્નલ આપ્યું હતું. સ્નિફર ડોગના એલર્ટ થતાં જ કસ્ટમ્સ હોશિયાર થઈ ગયું અને બેગેજ ટેગના આધારે મુસાફરને અટકાવીને બેગની તલાશી લેવામાં આવી હતી. બેગ ખોલતા જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તેની અંદર કરોડો રૂપિયાનું ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું.

થાઈ એરવેઝની ફ્લાઈટમાંથી આવ્યો હતો પેસેન્જર
કસ્ટમ્સ વિભાગના સત્તાવાર અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલો આરોપી મુસાફર 28 June ના રોજ થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 દ્વારા બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) ચેક-ઈન બેગેજ સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રોલી બેગની ઓળખ કરી હતી. જ્યારે આ ટ્રોલી બેગની બારીકાઈથી તપાસ કરવામાં આવી ત્યારે તેની અંદર ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવીને રાખવામાં આવેલા સિલ્વર કલરના 5 (પાંચ) પોલીથીન પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોની અંદર લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ ભરેલો હતો.
એરપોર્ટ પર જ હાજર સ્પેશિયલ ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા જ્યારે આ પદાર્થની તપાસ કરવામાં આવી, ત્યારે કન્ફર્મ થયું કે આ સામાન્ય ગાંજો નથી પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળું ‘હાઈડ્રોપોનિક મારીજુઆના’ ડ્રગ્સ છે. કસ્ટમ્સના રેકોર્ડ અનુસાર, જપ્ત કરાયેલા આ પ્રતિબંધિત ડ્રગ્સનું કુલ વજન 10,911 ગ્રામ એટલે કે આશરે 10.9 કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા કરતા પણ વધારે હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે આ આખી ખેપને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ જપ્ત કરી લીધી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની કડીઓ શોધતી એજન્સીઓ
આરોપી પેસેન્જરની ધરપકડ કરીને અત્યારે ગુપ્ત સ્થળે પૂછપરછ કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ એજન્સીઓ અને કસ્ટમ્સ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બેંગકોકથી લાવવામાં આવેલું આ કરોડોનું ડ્રગ્સ ભારતમાં કોને સપ્લાય કરવાનું હતું? આ સિન્ડિકેટ પાછળ કયા સ્થાનીય હેન્ડલર્સ કામ કરી રહ્યા છે અને આરોપી અગાઉ કેટલી વાર આવી તસ્કરી કરી ચૂક્યો છે?

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને કસ્ટમ્સ, ડીઆરઆઈ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાંથી આવતા પેસેન્જરો પર કડક વોચ રાખવાનું શરૂ કરી દીધું છે.