જબલપુર માં હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની ધરપકડ

જબલપુર માં હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની ધરપકડ

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાં હિન્દુ નામનો ઉપયોગ કરીને ડેન્ટલ ડોક્ટર તરીકે ઓળખ આપનાર એક શખ્સને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ પકડી પોલીસને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.

સંગઠનોનો આરોપ છે કે શખ્સ પોતાનું નામ “રાજકુમાર” જણાવી હિન્દુ યુવતીઓ સાથે સંપર્ક કરતો હતો. તેમનો દાવો છે કે આરોપીનું અસલી નામ સૈયદ ઇશાક અસરાર છે અને તે અગાઉ પણ હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરી ચૂક્યો હોવાનો આરોપ છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા શખ્સ પાસેથી બે આધાર કાર્ડ મળી આવ્યા છે. એકમાં તેનું નામ “રાજકુમાર” જ્યારે બીજા આધાર કાર્ડમાં અલગ નામ નોંધાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે દસ્તાવેજોની ખરાઈ અને વ્યક્તિની સાચી ઓળખ અંગે તપાસ શરૂ કરી છે.

સંગઠનોનો વધુમાં દાવો છે કે આરોપીએ પોતાના આધાર કાર્ડમાં અનેક વખત સુધારા કરાવ્યા હતા. જોકે, આ અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

મદન મહલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે પકડાયેલ વ્યક્તિ ડેન્ટલ ક્લિનિક સાથે સંકળાયેલો છે અને તેની ઓળખ તેમજ દસ્તાવેજોની સત્યતા અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધવાની તેમજ દસ્તાવેજોની ચકાસણી સહિત તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *