
અમદાવાદમાં કાપડ વેપારીના ઘરમાંથી રૂ.49.62 લાખની ચોરી: નોકરનો સાગરીત ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
અમદાવાદ : શહેરના પાલડી વિસ્તારમાં કાપડના વેપારીના ઘરમાં કામ કરતા નોકરે માલિકનો વિશ્વાસઘાત કરીને અંદાજે રૂ.49.62 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી છે. ઝોન-7 એલસીબી પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીના સાગરીત બાબુલાલ મીણાની ધરપકડ કરી છે અને ચોરાયેલા મુદ્દામાલનો મોટો હિસ્સો પણ કબજે કર્યો છે. જોકે, મુખ્ય આરોપી કમલેશ મીણા હજુ પોલીસ પકડથી દૂર છે.
કેવી રીતે થયો સમગ્ર બનાવ?
પાલડીના ગૌતમ બુદ્ધ સોસાયટીમાં રહેતા અને સારંગપુર ન્યૂ ક્લોથ માર્કેટમાં કાપડના વેપારી તરીકે વ્યવસાય કરતા કરણ હેતલભાઈ શાહના ઘરે ચાર ઘરઘાટીઓ કામ કરતા હતા. તેમાં માર્ચ 2026થી કામે લાગેલો કમલેશ મીણાએ માલિકનો વિશ્વાસ જીતી લીધો હતો.
9થી 13 જુલાઈ દરમિયાન કમલેશે બેડરૂમના કબાટની ચાવી મેળવી લીધી અને તિજોરીમાંથી પત્નીના પર્સમાં રહેલા રૂ.1.46 લાખ રોકડા તેમજ આશરે 602 ગ્રામ સોનાના હીરાજડિત સેટ, બંગડીઓ, બુટ્ટીઓ સહિત કુલ રૂ.49.62 લાખના દાગીના ચોરી લીધા હતા.
શંકા જતાં ખુલ્યો ભાંડો
ઘરમાંથી રોકડ રકમ ગાયબ થતાં પરિવારને શંકા ગઈ હતી. ત્યારબાદ તિજોરી તપાસતા કિંમતી દાગીના અને રોકડ ગાયબ હોવાનું સામે આવ્યું. ફરિયાદ નોંધાતા પાલડી પોલીસ અને ઝોન-7 એલસીબીની ટીમોએ તપાસ શરૂ કરી હતી.
સાગરીતની ધરપકડ, 70 ટકા મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન પોલીસે રાજસ્થાનના બાબુલાલ મીણાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય આરોપી કમલેશ મીણાએ ચોરી બાદ દાગીના અને રોકડ બાબુલાલને સોંપી દીધા હતા, જેથી તે ભત્રીજા ગૌતમ સુધી પહોંચાડી શકે.
પોલીસે બાબુલાલ પાસેથી રૂ.26.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં રૂ.25.42 લાખના દાગીના અને રૂ.17 હજાર રોકડાનો સમાવેશ થાય છે. આમ, ચોરાયેલા મુદ્દામાલનો અંદાજે 70 ટકા હિસ્સો પરત મેળવવામાં સફળતા મળી છે.
પોલીસ વેરિફિકેશન ન કરાવવાનો ભોગ
ઝોન-7ના ડીસીપીએ જણાવ્યું કે, કમલેશ મીણાને ઓળખાણના આધારે કામે રાખવામાં આવ્યો હતો, પરંતુ તેનું પોલીસ વેરિફિકેશન કરાવવામાં આવ્યું ન હતું. આ બેદરકારીનો લાભ ઉઠાવી આરોપીએ વિશ્વાસઘાત કરીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો.
મુખ્ય આરોપીની શોધખોળ ચાલુ
પોલીસના જણાવ્યા મુજબ, આર્થિક લાભ અને ઝડપથી પૈસા મેળવવાની લાલચમાં આરોપીઓએ ચોરી કરી હતી. હાલ મુખ્ય આરોપી કમલેશ મીણા અને તેનો ભત્રીજો ગૌતમ ફરાર છે અને તેમની શોધખોળ માટે વિવિધ ટીમો કાર્યવાહી કરી રહી છે.
