
અમદાવાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: 8નાં મોત, 15 ઈજાગ્રસ્ત, 5 કિમી દૂર સુધી ધડાકો સંભળાયો
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આજે ભીષણ બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 8 લોકોનાં મોત થયાં છે, જ્યારે 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ફાયર ટેન્ડર, 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વસ્ત્રાલ RAF કેમ્પના જવાનોએ પણ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં બચાવ કામગીરી શરૂ કરી ઘાયલોને બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ફેક્ટરીમાં 8થી 10 શ્રમિકો કામ કરતા હતા
ફાયર વિભાગના જણાવ્યા મુજબ મહેમુદપુરા ટેલેન્ટ નજીક આવેલી આ ફેક્ટરીમાં બ્લાસ્ટ સમયે 8થી 10 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ બાદ અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન 8 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
લાયસન્સ રદ છતાં ગેરકાયદેસર રીતે ચાલતી હતી ફેક્ટરી
સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે, ફેક્ટરી મેહુલ ડોડીયા નામનો વ્યક્તિ ચલાવતો હતો. ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ અગાઉથી જ રદ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ગેરકાયદેસર રીતે ઉત્પાદન ચાલુ રાખવામાં આવતું હતું. આ મામલે રામોલ પોલીસ દ્વારા એક્સપ્લોઝિવ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદના મેયર હિતેશ બારોટ, AMCના ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઝોન-8ના ડીસીપી મયુર પાટીલ અને સેક્ટર-2ના જેસીપી જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
બચાવ કામગીરી ચાલુ
ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. અંદર હજુ કોઈ ફસાયેલું છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
(નોંધ: આ સમાચાર પ્રાથમિક માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. સત્તાવાર તપાસ આગળ વધતા મૃત્યુઆંક અને અન્ય વિગતોમાં ફેરફાર થઈ શકે છે.)
