
કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત ઉકેલ પર ભાર
ભુજ: કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર કચેરી ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું આંતરિક સંકલન સાથે તાત્કાલિક નિરાકરણ લાવવા અને નાગરિકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી.


રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ઘાસચારા વિતરણ માટે રાજ્ય સરકારની મંજૂરી અને તેની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. તેમણે વીજળી, વનવિભાગ, નર્મદાના પાણીથી જળસ્ત્રોત ભરવા, અંડરપાસ અને ખાણ-ખનિજ વિભાગ સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વરસાદની અછતને ધ્યાનમાં રાખીને સમગ્ર વહીવટી તંત્રને સંકલન સાથે કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જિલ્લામાં પાણી વિતરણ વ્યવસ્થા મજબૂત બનાવવા, બન્ની વિસ્તારમાં પૂરતું પાણી પહોંચાડવા અને સિવિલ હોસ્પિટલમાં મફત દવાઓની ઉપલબ્ધિ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ દયાપર સરકારી કોલેજ, જાબરી-તલ લૈયારી ડેમ, ધાવડાના રેવન્યૂ હક્કપત્ર, નખત્રાણા બાયપાસ, ખોંભડી જૂથ પાણી પુરવઠા યોજના, પીવાનું પાણી, જર્જરિત વીજલાઈનો, કેનાલ રિપેરિંગ અને લો-વોલ્ટેજ જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ભચાઉ તાલુકાની પીવાના પાણીની યોજનાઓ, જન્મના દાખલાની ધીમી પ્રક્રિયા, ટ્રાફિક સમસ્યા, ધોળાવીરામાં અટકેલા રિસોર્ટના બાંધકામ અને રેલવે દ્વારા બંધ કરાયેલા રસ્તાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.
માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ બીદડાના ગૌચર અને ગામતળની જમીન, દબાણ, નર્મદા કેનાલના કારણે થતા જમીન ધોવાણ અને સ્વામિત્વ યોજના હેઠળ માલિકી હક્કના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

બેઠકના અંતે કલેક્ટરે પાણી ચોરી અટકાવવા નિયમિત ચેકિંગ, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા, મિલ્કતોનું સર્વેક્ષણ, રખડતા પશુઓ સામે ઝુંબેશ અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણ માટે આયોજનબદ્ધ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નાયબ વન સંરક્ષક આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, આરટીઓ અનિલ ગોસ્વામી, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
