
અમદાવાદીઓને પાર્કિંગ સમસ્યાથી છૂટકારો મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં પાર્કિંગની સગવડ વાહનચાલકોને આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. નવા પે એન્ડ પાર્કથી વાહનચાલકોને ટ્રાફિકની જામની સમસ્યાથી મુક્તિ મળશે.
તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઉત્તર ઝોનમાં નવ જગ્યાએ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. આ નવા પેન્ડ પાર્કથી વાહનચાલકોને ટ્રાફિકની જામની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ કુલ 1822 વાહન આ જગ્યાઓએ પાર્ક થઈ શકશે. હવે તંત્ર દ્વારા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પણ પાર્કિંગની સગવડ વાહનચાલકોને આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે, જે હેઠળ શપથ-Vથી પ્રહ્લાદનગર ગાર્ડન સુધીના 12 મીટરના રોડ પર પણ પાર્કિંગ કરી શકાશે તેવું ચિત્ર ઊપસ્યું છે.
શહેરીજનોને કનડતી મુખ્ય સમસ્યામાં ટ્રાફિકજામની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં 39 લાખ જેટલાં વાહનો છે, જેમાં સાત લાખ ફોર વ્હીલર્સ છે. વધુ ને વધુ લોકો અંગત વાહનો વસાવી રહ્યા હોઈ રોડ પરનાં વાહનનાં દબાણ પણ સતત વધતાં જાય છે. જેના કારણે પાર્કિંગની સતત માગ વધી રહી છે.
કોન્ટ્રાક્ટરો પાસેથી ઓફરો મંગાવાઈ
મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરીજનોમાં વધતી જતી પાર્કિંગ માટેની માગને પહોંચી વળવા માટે સતત આયોજન કરાઈ રહ્યાં છે, જે હેઠળ સમયાંતરે નવાં નવાં પાર્કિંગનાં સ્થળો માટે થઈને ટેન્ડર પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં તંત્રએ પાર્કિંગ માટે નક્કી કરેલી ઓનસ્ટ્રીટ રોડની જગ્યામાં વાહનોના પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ટેન્ડર કમ હરાજીથી ત્રણ વર્ષની મુદત માટે કોન્ટ્રાક્ટરો પાસેથી ઓફરો મંગાવાઈ છે. તંત્ર દ્વારા જાહેર હરાજી માટે 15 માર્ચ નક્કી કરાઈ છે. લોકોની સુવિધા માટે તંત્રએ ત્રણ જગ્યા નક્કી કરી છે કે જ્યાં વાહનચાલકો રોડ પર પોતાના વાહનનું પાર્કિંગ કરી શકશે.
અહીં પાર્ક કરી શકાશે કુલ 186 વાહન
ટીપી સ્કીમ નં. 24 (વેજલપુર)માં શપથ-Vથી પ્રહ્લાદનગર ગાર્ડન સુધીના 12 મીટર રોડ પર 153 ટુ-વ્હીલર અને 33 ફોર વ્હીલર મળીને કુલ 186 વાહન પાર્ક કરી શકાશે. જે માટે વાર્ષિક અપસેટ વેલ્યૂ રૂ. 4,98,960 અને અર્નેસ્ટ મની ડિપોઝિટ રૂ. 25,000 નક્કી કરાઈ છે. ટીપી સ્કીમ નં. 84-એ હેઠળ શિવમ પ્રાયોરીથી ઓર્ચિડ મેફેર સુધીના 18 મીટર ટીપી રોડ પરની એક સાઇટ પર વાહનચાલકોને ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધાનો લાભ મળશે. જેમાં 110 ટુ-વ્હીલર અને 61 ફોર વ્હીલર મળીને કુલ 171 વાહનનો સમાવેશ થાય છે. આ માટે રૂ. 3,69,839ની વાર્ષિક અપસેટ વેલ્યૂ અને રૂ. 25,000ની અર્નેસ્ટમની ડિપોઝિટ નક્કી કરાઈ છે.
જ્યારે ટીપી સ્કીમ નં. 24 (વેજલપુર)ના ચીમનભાઈ ઇન્સ્ટિટ્યૂટથી મોન્ડિયલ સ્ક્વેર સુધીના એસજી હાઈવે પેરેલેલ રોડ પર એક સાઇડ ઓનસ્ટ્રીટ પાર્કિંગ માટે નક્કી કરાઈ છે. આ જગ્યાએ કુલ 120 ટુ-વ્હીલર અને 45 ફોર વ્હીલર મળીને કુલ 165 વાહનના પાર્કિંગની સુવિધા લોકોને ઉપલબ્ધ થશે. તંત્ર દ્વારા આ સ્થળ માટે રૂ. 5,04,900ની વાર્ષિક અપસેટ વેલ્યૂ તેમજ રૂ. 50,000ની અર્નેમેન્ટમની ડિપોઝિટ નિશ્ચિત કરાઈ છે. મ્યુનિ. તંત્ર દ્વારા આ ત્રણેય જગ્યાએ મળીને કુલ 522 વાહનો માટે ઓનસ્ટ્રીટ પાર્કિંગની સુવિધા ઊભી થનાર છે.