જાણવા જેવુ / આ વ્યક્તિ કરશે ઝુનઝુનવાલાની અબજોની સંપત્તિની દેખરેખ, બિગબુલે માન્યુ હંમેશા પોતાનો ગુરૂ

શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh jhunjhunwala) ને આ દુનિયા અલવિદા કહ્યાને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા નથી. શેરબજારના રિટેલ રોકાણકારો ઝુનઝુનવાલાને ભગવાન સમાન માનતા હતા. તેમના મૃત્યુ બાદ તેમના હજારો કરોડ રૂપિયાના સામ્રાજ્ય સાથે જોડાયેલી તમામ બાબતો બહાર આવી રહી છે. પરંતુ હવે સવાલ એ છે કે તેની મિલકતની સંભાળ કોણ રાખશે? આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

કલ્પરાજ ધર્મશી અને અમલ પારેખ પણ સામેલ

ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી (Radhakishan damani) ને રાકેશ ઝુનઝુનવાલાની માલિકીની મિલકતના મુખ્ય ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. દામાણી એકમાત્ર એવી વ્યક્તિ છે જેને ઝુનઝુનવાલા તેમના સૌથી વિશ્વાસુ મિત્ર અને માર્ગદર્શક માનતા હતા. આ ઉપરાંત ઝુનઝુનવાલાના ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં કલ્પરાજ ધરમશી અને અમલ પારેખનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 14 ઓગસ્ટના રોજ રાકેશ ઝુનઝુનવાલાએ આ દુનિયા છોડી દીધી હતી.

‘સૌથી ખરાબ રોકાણમાં હેલ્થમાં રહ્યું’

આ સિવાય ઝુનઝુનવાલાની બીજી ફર્મ ‘રેર એન્ટરપ્રાઇઝ’ (RARE Enterprises) નું સંચાલન તેના બે સૌથી વિશ્વાસુ પાર્ટનર્સ ઉત્પલ સેઠ અને અમિત ગોયલના હાથમાં જ રહેશે. ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. 2019 માં તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં પણ સ્વીકાર્યું હતું કે તેમનું સૌથી ખરાબ રોકાણ હેલ્થને લઈને રહ્યું છે.

ટાઈટનમાં હતું મોટું રોકાણ

મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્વેલરી રિટેલર ટાઇટન કંપની રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા માટે સૌથી વધુ નફાકારક રોકાણોમાંનું એક હતું. બિગબુલના પોર્ટફોલિયોમાં એક તૃતીયાંશ કરતાં વધુ શેર ટાઇટનની માલિકીના છે. માર્કેટ વેલ્યૂના આધાર પર ઝુનઝુનવાલાના ટોપના હોલ્ડિંગમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ, ટાટા મોટર્સ અને ફૂટવેર ઉત્પાદક મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડનો સમાવેશ થાય છે. તેઓ સ્ટાર હેલ્થ, એપટેક લિમિટેડ અને નઝારા ટેક્નોલોજીસમાં 10 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.

ઝુનઝુનવાલાએ વર્ષ 2002-03માં ટાઇટનમાં 3 રૂપિયા પ્રતિ શેર પર રોકાણ કર્યું હતું. આ સમયે કંપનીનો સ્ટોક વધીને 2,422 રૂપિયા થયો છે. આ શેરથી જ ઝુનઝુનવાલાના ટાઇટન પોર્ટફોલિયો 11,000 કરોડ રૂપિયા થઇ ગયો છે. 1985માં 5000 રૂપિયાથી બિઝનેસ શરૂ કરનાર ઝુનઝુનવાલાના સામ્રાજ્યની કિંમત આજે લગભગ 46 હજાર કરોડ રૂપિયા છે. એવું પણ કહેવાય છે કે તેમના મૃત્યુ પહેલા ઝુનઝુનવાલાએ તેમની સંપત્તિ સંબંધિત યોજના બનાવી હતી, તેમા બરજીસ દેસાઈને પોતાનું વસિયતનામું સાથે રાખવાનું કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *