
Gujarat Students ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટી રાહત: હવે એક ક્લિકમાં ઘરે મળશે પાઠ્યપુસ્તકો, Amazon સાથે ઐતિહાસિક MoU

Gujarat Students ગુજરાતના ખાનગી અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને Amazon India વચ્ચે પાઠ્યપુસ્તકોના ઓનલાઇન વિતરણ માટે સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ કરાર સંપન્ન થયો હતો.
Gujarat Students ‘ફક્ત એક ક્લિકથી પુસ્તકો વિદ્યાર્થી સુધી’
આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને જરૂરી પાઠ્યપુસ્તકો સરળતાથી અને ઝડપથી તેમના ઘર સુધી પહોંચાડવાનો છે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ Amazonના માધ્યમથી પોતાના ધોરણ અને માધ્યમ અનુસાર જરૂરી પાઠ્યપુસ્તકો ઓનલાઇન ઓર્ડર કરી શકશે.
ખાસ વાત એ છે કે પુસ્તકો છાપેલી નિયત કિંમતે જ મળશે અને તેના માટે કોઈ અલગ ડિલિવરી ચાર્જ લેવામાં નહીં આવે. જેના કારણે વાલીઓને બુક સ્ટોર કે રિટેલરની દુકાન સુધી જવાની જરૂરિયાત ઘટશે.
Gujarat Students તમામ ધોરણ અને માધ્યમના પુસ્તકો ઉપલબ્ધ થશે
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ પહેલને ‘ઈઝ ઓફ એજ્યુકેશન’ તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. MoU અંતર્ગત ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત વિવિધ ધોરણો અને માધ્યમોના પાઠ્યપુસ્તકો Amazon પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શિક્ષણસામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સમય તથા મહેનત બંને બચાવશે.
Gujarat Students બુક સ્ટોરની ભીડથી મળશે રાહત
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પવરાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓને હવે પાઠ્યપુસ્તકો મેળવવા માટે રિટેલર અથવા ડિસ્ટ્રિબ્યુટરની દુકાનોના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. Amazonના લોજિસ્ટિક્સ નેટવર્કના માધ્યમથી પુસ્તકો ઘર સુધી પહોંચાડવામાં આવશે.
શૈક્ષણિક સત્રની શરૂઆતમાં બુક સ્ટોર્સ પર થતી ભીડ અને લાંબી કતારોને કારણે વાલીઓ-વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાં પણ આ વ્યવસ્થાથી ઘટાડો થવાની શક્યતા છે.
દર વર્ષે અંદાજે 1.5 કરોડ પુસ્તકોનું વિતરણ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા દર વર્ષે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે અંદાજે 1.5 કરોડ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અત્યાર સુધી આ પુસ્તકો અધિકૃત વિતરકો અને પુસ્તક વિક્રેતાઓના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચતા હતા. હવે ઓનલાઇન પ્લેટફોર્મના વિકલ્પથી ખરીદીની પ્રક્રિયા વધુ સરળ બનશે.
Amazon Indiaના કેટેગરી લીડર બુક્સ રાશિ બહાદુરે જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચે તે જરૂરી છે. ગુજરાત સરકાર સાથેની આ ભાગીદારીથી રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શૈક્ષણિક સામગ્રી વધુ સુલભ અને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં સહયોગ મળશે.
આ પ્રસંગે પાઠ્યપુસ્તક મંડળના નિયામક વિનયગીરી ગોસાઈ, નાયબ નિયામક હર્ષદ ચૌધરી, Amazonના પ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને પાઠ્યપુસ્તક મંડળના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
