
ગુજરાતના યાત્રાધામોમાં ‘ઉડન ખટોલા’નો વધતો ક્રેઝ: એક વર્ષમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો રોપ-વેનો આનંદ
ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે રોપ-વેની સુવિધા; ગિરનારનો 2.12 કિમી લાંબો રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાં સ્થાન ધરાવે છે

ગાંધીનગર: ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળોની લોકપ્રિયતા સતત વધી રહી છે. ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે આવેલા રોપ-વેનો લાભ વર્ષ 2025-26 દરમિયાન 47.32 લાખથી વધુ યાત્રાળુઓ અને પ્રવાસીઓએ લીધો છે.
આંકડા મુજબ, પંચમહાલના પાવાગઢ રોપ-વેમાં 23.43 લાખથી વધુ, બનાસકાંઠાના અંબાજી રોપ-વેમાં 15.58 લાખથી વધુ અને જૂનાગઢના ગિરનાર રોપ-વેમાં 8.31 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. બાળકો, વડીલો, મહિલાઓ તેમજ દિવ્યાંગ યાત્રાળુઓ માટે રોપ-વેની સુવિધા પર્વતીય યાત્રાને વધુ સરળ અને સુલભ બનાવી રહી છે.

ગિરનાર રોપ-વે: આધ્યાત્મિકતા અને પ્રકૃતિનો સંગમ
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલો રોપ-વે એન્જિનિયરિંગની સાથે આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ કરાવે છે. 2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશ્વના સૌથી લાંબા રોપ-વેમાંનો એક છે. તે ગિરનાર પર્વત પર આશરે 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી માતાના મંદિર સુધી પહોંચવાની સુવિધા આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. રોપ-વેમાં 31 આધુનિક કેબિન દ્વારા પ્રતિ કલાક આશરે 1,000 મુસાફરોનું પરિવહન કરવાની ક્ષમતા છે. આશરે 9 મિનિટની રોપ-વે સફર દરમિયાન પ્રવાસીઓને ગિરનાર પર્વતના મનોહર કુદરતી દૃશ્યોનો અનુભવ થાય છે.
ગિરનાર પર્વત પર અંબાજી મંદિર ઉપરાંત ગુરુ દત્તાત્રેય મંદિર, ગોરખનાથ મંદિર તેમજ ઐતિહાસિક જૈન મંદિરો આવેલા છે. રોપ-વેના કારણે પર્વત પરના મુશ્કેલ ચઢાણને સરળ બનાવી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે આ સ્થળ વધુ સુલભ બન્યું છે.
ચોમાસા દરમિયાન વાદળોથી ઘેરાયેલો ગિરનાર પર્વત પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસ દરમિયાન પણ અહીં યાત્રાળુઓનો નોંધપાત્ર ધસારો જોવા મળે છે.
ત્રણેય રોપ-વેમાં વિવિધ સુવિધાઓ
ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા ‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેનું સંચાલન કરવામાં આવે છે. ત્રણેય સ્થળોએ યાત્રાળુઓ માટે વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઈડ સેવા, વ્હીલચેર, લોકર, પીવાનું પાણી, શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

રોપ-વેના સમય:
ગિરનાર: સવારે 7:00થી સાંજે 5:00 વાગ્યા સુધી
પાવાગઢ: સવારે 6:00થી સાંજે 5:45 વાગ્યા સુધી
અંબાજી: સવારે 7:00થી સાંજે 6:00 વાગ્યા સુધી
દિવ્યાંગો અને વિદ્યાર્થીઓ માટે ડિસ્કાઉન્ટ
રોપ-વેમાં દિવ્યાંગ યાત્રાળુઓને વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઉપરાંત, દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ‘શરદ મહોત્સવ’ અંતર્ગત STEM Excursion શૈક્ષણિક પ્રવાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ટિકિટ પર ડિસ્કાઉન્ટની સુવિધા આપવામાં આવે છે.
રોપ-વે અંગે વધુ માહિતી માટે customercare@ushabreco.com પર સંપર્ક કરી શકાય છે અથવા ટોલ ફ્રી નંબર 1800-202-4050 પર માહિતી મેળવી શકાય છે. ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે udankhatola.comનો ઉપયોગ કરી શકાય છે.
