અમદાવાદમાં મોંઘી બ્રાન્ડની બોટલમાં નકલી દારૂ વેચાતો હોવાનો પર્દાફાશ, એક ઝડપાયો

અમદાવાદમાં મોંઘી બ્રાન્ડની બોટલમાં નકલી દારૂ વેચાતો હોવાનો પર્દાફાશ, એક ઝડપાયો

અમદાવાદ: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે વેચાણ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે અમદાવાદના નિકોલ અને કુબેરનગર વિસ્તારમાં મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચાતો હોવાનો કથિત ગોરખધંધો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની બાતમીના આધારે નિકોલ પોલીસે કાર્યવાહી કરી એક શખસની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, 20 ઓગસ્ટ 2026ના રોજ નિકોલની અટલ આવાસ યોજના નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સ્કૂટર સાથે શંકાસ્પદ હાલતમાં મળેલા સુનિલ ઉર્ફે સોનુ રમેશ માખીજાની પૂછપરછ કરવામાં આવી હતી. સ્કૂટરની ડિક્કી તપાસતા મોંઘી બ્રાન્ડની દારૂની બોટલ મળી આવી હતી.

આરોપીની પૂછપરછ બાદ પોલીસે તેના કથિત સાથીદાર દિનેશના કુબેરનગર સ્થિત ઘરે તપાસ હાથ ધરી હતી. અહીંથી વિવિધ ફ્લેવર અને કેમિકલ ભરેલી ધાતુની ચાર તથા પ્લાસ્ટિકની ચાર બોટલો મળી આવી હતી. પોલીસે મોબાઈલ ફોન સહિત અંદાજે રૂ.6,500નો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળે છે.

એક વર્ષથી ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનો ખુલાસો

પ્રાથમિક પોલીસ તપાસમાં બંને શખસો છેલ્લા એક વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો, ઢાંકણાં અને લેબલ મેળવી તેમાં સસ્તો દારૂ, પાણી તથા વિવિધ ફ્લેવર મિક્સ કરીને તેને મોંઘી બ્રાન્ડના નામે વેચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

હાલ નિકોલ પોલીસે સુનિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર આરોપી દિનેશને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. સમગ્ર મામલે નકલી દારૂની બનાવટ, સપ્લાય અને વેચાણના નેટવર્ક અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *