
ભગવાન શિવજીના પવિત્ર નામનો મહિમા અને આધ્યાત્મિક રહસ્ય
લેખક : ડૉ.કૃણાલ જોશી
ભાગવત કથાકાર પ્રજ્ઞાચક્ષુ
આપણી સનાતન પરંપરામાં ભગવાન શિવને જગતગુરુ તરીકે માનવામાં આવે છે. જેમ આપણે ભગવાન શ્રીકૃષ્ણને જગતગુરુના સ્વરૂપે સંબોધીએ છીએ, તેવી જ રીતે મહાદેવ પણ જગતગુરુ છે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ યોગેશ્વર છે, તો મહાદેવજી યોગીશ્વર છે. યોગીઓના ઈશ્વર એટલે યોગીશ્વર. હરી અને હર બંને નામોનો ભાવ એક જ છે.
ભગવાન શિવ મહાદેવ છે. મહાદેવ એટલે અનાદિ દેવ સનાતન તત્ત્વ મહાદેવજીનું એક નામ આશુતોષ છે. આશુતોષનો અર્થ થાય છે જે ભક્તોના આંસુ જોઈ શકતા નથી અને ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે.
ભગવાન શિવજીનું એક નામ નીલકંઠ છે. દેવો અને દાનવોએ જ્યારે સમુદ્રમંથન કર્યું ત્યારે તેમાં પ્રગટ થયેલા હળાહળ વિષને મહાદેવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું. તેથી તેમનો કંઠ નીલવર્ણનો થયો અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા.
ભગવાન શિવજીનું એક નામ ચંદ્રશેખર છે. જ્યારે ચંદ્રદેવ ભગવાન શિવજીના શરણે આવ્યા ત્યારે મહાદેવજીએ તેમને પોતાના લલાટ પર સ્થાન આપ્યું. તે સમયથી ભગવાન શિવજીનું નામ ચંદ્રશેખર પ્રસિદ્ધ થયું.
ભગવાન શિવજીનું એક નામ શિવ છે. “શિવ” શબ્દમાં આવેલો ‘શિ’ કલ્યાણનો બોધ કરાવે છે અને ‘વ’ અમૃતનું પ્રતીક છે. તેથી શિવ એટલે કલ્યાણ અને અમૃત સ્વરૂપ.
ભગવાન શિવજીનું એક નામ ભૂતાત્મા છે. ભૂતાત્મા એટલે સર્વ પ્રાણીઓમાં નિવાસ કરનાર. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે ભગવાન માત્ર મંદિરમાં જ છે, પરંતુ ભગવાન શિવ તો પ્રાણીમાત્રના હૃદયમાં બિરાજમાન છે.
ભગવાન શિવજીનું એક નામ હર છે. હરનો અર્થ થાય છે જે આપણા ત્રણ તાપો, એટલે કે આધિ, વ્યાધિ અને ઉપાધિ, હરિ લે છે. તેથી જ તેમનું નામ હર છે.
શિવમહાપુરાણમાં પ્રસંગ આવે છે કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ સમક્ષ ભગવાન શિવ અનંત જ્યોતિસ્તંભના સ્વરૂપે પ્રગટ થયા હતા. ભગવાન શિવજીનું એક નામ શૂલપાણિ છે. શૂલપાણિ એટલે હાથમાં ત્રિશૂલ ધારણ કરનાર અને ભક્તોના ત્રિવિધ તાપનો નાશ કરનાર ભગવાન શિવજીનું એક નામ ગંગાધર છે, કારણ કે તેમણે પોતાની જટામાં માતા ગંગાને ધારણ કર્યા છે.
ભગવાન શિવજીનું એક નામ પિનાકપાણિ છે. તેનો અર્થ થાય છે જેમના હાથમાં પિનાક નામનું દિવ્ય ધનુષ્ય છે.
ભગવાન શિવજીનું એક નામ ત્રિલોચન છે. ત્રિલોચન એટલે ત્રણ નેત્રો ધરાવનાર. તેથી જ તેમને ત્ર્યંબક પણ કહેવામાં આવે છે.
મહાદેવજીના ત્રણ નેત્રોનું પ્રતિકાત્મક સ્વરૂપ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે. સૂર્યરૂપ નેત્ર દ્વારા ભગવાન શિવ દિવસે મનુષ્યના કર્મો નિહાળે છે. ચંદ્રરૂપ નેત્ર દ્વારા રાત્રિના કર્મોને જુએ છે, જ્યારે ત્રીજું અગ્નિરૂપ નેત્ર સંહાર અને આત્મ જાગૃતિનું પ્રતીક છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ ત્રીજું નેત્ર આપણા અંતરમાં રહેલી વિકૃતિઓનો નાશ કરે છે.
ભગવાન શિવજીનું એક નામ વૃષભધ્વજ છે. વૃષભધ્વજ એટલે જેમના ધ્વજ પર વૃષભનું ચિહ્ન છે. વૃષભ ધર્મનું પ્રતીક છે. ભગવાન શિવના મંદિરમાં નંદી એટલા માટે બિરાજે છે કે નંદી ધર્મનું સ્વરૂપ છે. સત્ય, પવિત્રતા, દયા અને દાન ધર્મના ચાર આધારસ્તંભ છે. ભગવાન શિવ આપણને સંદેશ આપે છે કે દરેક વ્યક્તિએ પોતાનો સ્વધર્મ ક્યારેય છોડવો નહીં. નંદી સંયમનું પણ પ્રતીક છે. તેથી મહાદેવ સનાતન ધર્મના બીજરૂપ છે.
ભગવાન શિવજીનું એક નામ ધનેશ છે. કુબેર ધનના દેવતા છે અને મહાદેવ તેમના મિત્ર છે. પરંતુ સાચા અર્થમાં ધનના ઈશ્વર તો મહાદેવ જ છે. તેથી તેઓ ધનેશ કહેવાય છે. ભગવાન શિવ ભક્તોને સુખ, સંપત્તિ અને અંતે મોક્ષ પ્રદાન કરે છે.
ભગવાન શિવજીની ગતિ સર્વત્ર છે. તેથી તેમનું એક નામ ઈશાન પણ છે.
ભગવાન શિવજીના સહસ્ત્ર નામો છે. જેમ ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામ પ્રસિદ્ધ છે, તેવી જ રીતે ભગવાન શિવના પણ હજાર નામો છે. દરેક નામની પાછળ ઊંડો આધ્યાત્મિક અર્થ અને સંસ્કૃતિનો સંદેશ રહેલો છે.
ભગવાન શિવની સંસ્કૃતિ સ્વીકારની સંસ્કૃતિ છે. મહાદેવ કહે છે તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો, મારા શરણે આવો હું તમારો સ્વીકાર કરીશ
આજે મનુષ્ય મૃત્યુથી ભયભીત થાય છે. પરંતુ ભગવાન શિવ સંદેશ આપે છે કે મૃત્યુથી ડરવાની જરૂર નથી. જીવન પૂર્ણ થયા પછી પણ સ્મશાનમાં તમારું સ્વાગત હું જ કરીશ. તેથી જ શિવમહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંતાચાર્યે મહાદેવના સ્મશાનવાસી સ્વરૂપનું ગાન કર્યું છે.
ભગવાન શિવનું મૂળ સ્વરૂપ નિર્ગુણ છે, પરંતુ ભક્તોના કલ્યાણ માટે તેઓ સગુણ સ્વરૂપ ધારણ કરે છે. હિમાચલરાજના ભાવની પરીક્ષા લેવા તેઓ નટના વેશમાં આવ્યા, તેથી તેમનું નટરાજ નામ પ્રસિદ્ધ થયું. જ્યારે માતા પાર્વતી ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા તપ કરી રહ્યા હતા, ત્યારે મહાદેવ બ્રહ્મચારીના સ્વરૂપમાં આવી તેમના પ્રેમ અને નિષ્ઠાની પરીક્ષા લીધી.
આ રીતે ભગવાન શિવ સગુણ સ્વરૂપ ધારણ કરીને પોતાની દિવ્ય લીલાઓ દ્વારા ભક્તોને સુખ, શાંતિ અને કલ્યાણ પ્રદાન કરે છે.
ભગવાન શિવજીના પવિત્ર નામનું સ્મરણ દરેક જીવનું કલ્યાણ કરે એવી પ્રાર્થના.
ૐ નમઃ શિવાય…
