
અમદાવાદમાં ફાયર NOCના નામે લાંચનો પર્દાફાશ: ₹36 હજાર લેતા વચેટિયો ઝડપાયો, ચીફ ફાયર ઓફિસરની પણ ધરપકડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફાયર NOC મંજૂર કરાવવાના નામે લાંચ માગવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી છે. ACBએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ₹36,000ની લાંચ સ્વીકારતા ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તપાસના આધારે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
6 બિલ્ડિંગની NOC માટે પ્રતિ બિલ્ડિંગ ₹6 હજારની માંગ
ફરિયાદી અમદાવાદમાં ફાયર સેફ્ટી ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમના દ્વારા શહેરની છ અલગ-અલગ બિલ્ડિંગની ફાયર NOC મંજૂરી માટે ગુજરાત સરકારના પોર્ટલ પર અરજીઓ મોકલવામાં આવી હતી.
આ NOC મંજૂર કરાવવા માટે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલાએ પ્રતિ બિલ્ડિંગ ₹6,000 લેખે કુલ ₹36,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.
મેમનગરમાં ACBએ ગોઠવી ટ્રેપ
લાંચ આપવા ઇચ્છુક ન હોવાથી ફરિયાદીએ સમગ્ર મામલે વડોદરા શહેર ACB પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે 7 ઓગસ્ટે બે સરકારી પંચોની હાજરીમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે ACBએ ટ્રેપ ગોઠવ્યો હતો.
ટ્રેપ દરમિયાન ભાવસિંહ ઝાલાએ ફરિયાદી પાસેથી ₹36,000 સ્વીકારતા જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો.
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની પણ ધરપકડ
વચેટિયા ભાવસિંહ ઝાલાની પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં લાંચના મામલે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની સંડોવણી સામે આવી હોવાના આધારે ACBએ તેમની પણ ધરપકડ કરી છે. સમગ્ર મામલે ACB દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
