
કંડલા એરપોર્ટના વિકાસ માટે રજૂઆત: મુંબઈ, બેંગ્લોર-હૈદરાબાદ ફ્લાઇટ શરૂ કરવા સાંસદ વિનોદ ચાવડાની માંગ
કચ્છ: લોકસભાના ચોમાસુ સત્ર દરમિયાન કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી કંડલા એરપોર્ટને લગતા વિવિધ મહત્વના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
મુલાકાત દરમિયાન કંડલા એરપોર્ટના રનવેના વિસ્તૃતીકરણ, યાત્રિક સુવિધાઓમાં વધારો અને નવી વિમાની સેવાઓ શરૂ કરવા અંગે માંગ કરવામાં આવી હતી.
સાંસદ વિનોદ ચાવડાએ ખાસ કરીને કંડલા-મુંબઈ વિમાની સેવા શરૂ કરવા, કંડલા એરપોર્ટને ઉડાન (UDAN) યોજના હેઠળ વધુ વિમાની સેવાઓ સાથે જોડવા તેમજ કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ માટે સીધી વિમાની સેવા શરૂ કરવા અંગે કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કંડલા એરપોર્ટના રનવેના વિસ્તરણથી ભવિષ્યમાં મોટા વિમાનોની અવરજવર સહિત હવાઈ જોડાણને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.
તા. 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુને કચ્છી સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મજબૂત બનાવવા સ્વદેશી કાપડ અને હસ્તકલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કંડલા એરપોર્ટ સંબંધિત રજૂઆતો અંગે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને રજૂ કરાયેલા મુદ્દાઓને લક્ષમાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મુલાકાત દરમિયાન ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં હવાઈ જોડાણ વધે તો વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને સ્થાનિક લોકો માટે હવાઈ મુસાફરીની સુવિધામાં મહત્વપૂર્ણ વધારો થઈ શકે છે.
