ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટર અપહરણ કેસનો પર્દાફાશ: ₹5.55 કરોડની ખંડણી પ્રકરણમાં 7 આરોપી ઝડપાયા

ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટર અપહરણ કેસનો પર્દાફાશ: ₹5.55 કરોડની ખંડણી પ્રકરણમાં 7 આરોપી ઝડપાયા

ગાંધીધામ શહેરમાં ભારે ચકચાર મચાવનાર ટ્રાન્સપોર્ટર અપહરણ અને ખંડણી કેસમાં પોલીસે ગણતરીના દિવસોમાં સફળતા મેળવી સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. શરૂઆતમાં કેસમાં ₹20 લાખની ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં કુલ ₹5,55,27,500ની ખંડણી વસૂલાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, આસોપાલવ આર્કેડ ખાતે ટ્રાન્સપોર્ટ ઓફિસ ધરાવતા વેપારી દિલીપ મજેઠિયા (ઠક્કર)નું જાવેદ અને તેના સાગરીતોએ અપહરણ કરી શક્તિનગર સ્થિત મકાનમાં બંધક બનાવ્યા હતા. ત્યાં તેમને દોરડાથી બાંધી મારપીટ કરવામાં આવી હતી અને ગળા પર છરી રાખી શરૂઆતમાં ₹20 લાખની માંગ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપીઓએ વેપારીના દુબઈમાં રહેતા ભાઈ નરેશ ઉર્ફે લાલો મજેઠિયાને વીડિયો કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ મોકલાયેલા સ્કેનર મારફતે નરેશે 5,84,500 અમેરિકન ડોલર, જેની ભારતીય કિંમત અંદાજે ₹5.55 કરોડ થાય છે, વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા.

મામલો કરોડોની ખંડણીનો હોવાનું બહાર આવતા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને ટેક્નિકલ ટીમ સહિત કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે હર્ષ કિશોર તુલસીદાસ સહાદપુરી, રાજ દીપક ધનવાણી, ઈબ્રાહીમ જુસબ બુચડ, હુસેન જુસબ બુચડ, શબીર અભુ સાયચા, લક્ષ્મણ ઉર્ફે લચ્છુ લીલારામ હેમનાણી અને સચિન વિકાસ આનંદાનીને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર હર્ષ સહાદપુરી છે, જે ફરિયાદીને વર્ષોથી ઓળખતો હતો અને બંને વચ્ચે નાણાકીય વ્યવહારો પણ થયા હતા. પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેણે સમગ્ર કાવતરું ઘડ્યું હતું. રાજ ધનવાણીએ દુબઈથી આવેલા ડોલરને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા કરી હતી અને મળેલી માહિતી મુજબ તેણે ₹60 લાખથી વધુની રકમ ઓનલાઈન ગેમમાં ગુમાવી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી ₹9.50 લાખની રકમ પરત મેળવી છે. જ્યારે મુખ્ય આરોપી જાવેદ અભુ સાયચા સહિત રિઝવાન હુસેન ખીચા અને સોહિલ જુસબ બુચડ હજુ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. ઝડપાયેલા તમામ સાત આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *