
કંડલા પોર્ટમાં ₹8.07 લાખના કોપર વાયરની ચોરી, રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટને ભારે નુકસાન
કંડલા પોર્ટ ખાતે ચાલી રહેલા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટમાંથી અજાણ્યા તસ્કરોએ લાખો રૂપિયાના કોપર કેટેનરી કોન્ટેક્ટ વાયરની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોરીની આ ઘટનામાં કુલ ₹8,07,408ના કોપર વાયરની તસ્કરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એનર્જી ગ્લોબલ ઇન્ફ્રા પ્રા. લિ. કંપની કંડલા જેટી પોર્ટ બર્થ લાઇન પર રેલવે ઇલેક્ટ્રિફિકેશનનું કામ કરી રહી છે. કંપનીમાં સ્ટોરેજ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા ઉત્પલકુમાર વિનોદકુમારે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પ્રથમ ચોરી 25 જૂનના રોજ સામે આવી હતી. કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જને રેલવે લાઇનના થાંભલા પરથી કોપર વાયર ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોર્ટના રેલવે ટ્રેકના ચેનેજ 00/21થી 00/24 વિસ્તારમાંથી વાયર ચોરી થયાનું બહાર આવ્યું હતું.
આ ઘટનાના માત્ર ત્રણ દિવસ બાદ 28 જૂનના રોજ ફરી એક વખત તસ્કરોએ એ જ વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. બંને બનાવોમાં મળીને ₹8,07,408ના કોપર કેટેનરી કોન્ટેક્ટ વાયરની ચોરી કરવામાં આવી હતી. ઉપરાંત, આશરે 4,360 મીટર વાયર કાપી નાખવામાં આવતા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે આ ચોરી સામાન્ય તસ્કરોનું કામ નથી. કોપર કેટેનરી વાયર કાપવા માટે ટેકનિકલ જાણકારી જરૂરી હોવાથી ટેકનિકલ કુશળતા ધરાવતી ગેંગ અને જાણભેદુ વ્યક્તિઓની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભંગારના વેપારીઓ સાથેની સંભવિત સાંઠગાંઠના એંગલથી પણ તપાસ ચાલી રહી છે.
કંડલા મરીન પોલીસે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો