PM Modi On Paper Leak: Paper Leak સામે સરકારનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે આવશે નવો કાયદો
પેપર લીકના મુદ્દે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા અને વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યરાત્રિએ વીડિયો સંદેશ જાહેર કરીને સરકારનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે જણાવ્યું કે Paper Leak કોઈ સામાન્ય ગુનો નથી અને તેમાં સંડોવાયેલા લોકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે પેપર લીકના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને દોષિતો માટે કડક સજાની જોગવાઈ કરતો નવો કાયદો લાવવાની તૈયારી હોવાનું પણ જણાવ્યું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પેપર લીકની ઘટનાઓ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે ભારે માનસિક પીડાનું કારણ બને છે. છેલ્લા અઢી મહિનામાં સરકારે અનેક કડક પગલાં લીધાં છે, આરોપીઓની ધરપકડ કરી છે અને વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે નહીં તે માટે ટૂંકા સમયમાં આશરે 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 19મી તારીખે પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે સરકાર માત્ર ધરપકડ કરીને અટકવાની નથી. સંબંધિત વિભાગોને Paper Leakના કેસોની ઝડપી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં દોષિતો માટે વધુ કડક સજાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
તેમણે જણાવ્યું કે આ પ્રસ્તાવ અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને સંસદમાં સંબંધિત બિલ રજૂ કરવાનો સરકારનો પ્રયાસ રહેશે, જેથી Paper Leak જેવા ગંભીર ગુનાઓ સામે વધુ અસરકારક કાર્યવાહી થઈ શકે.
વડાપ્રધાન મોદીએ અંતમાં સ્પષ્ટ કર્યું કે સરકાર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે Paper Leak કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને કોઈપણ દોષિતને છોડવામાં આવશે નહીં.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો
