અમદાવાદમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત; 18 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદમાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત; 18 જિલ્લામાં રેડ એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ઓફિસ, સ્કૂલ અને કોલેજ જવા નીકળેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

અમદાવાદના પશ્ચિમ વિસ્તાર તેમજ એસ.જી. હાઈવે, ગોતા, જોધપુર, સેટેલાઈટ, વેજલપુર, મકરબા, સરખેજ, શાંતિપુરા, શેલા, બોપલ, ઘુમા, સનાથલ, બાકરોલ, વિસલપુર અને કાસિનદ્રા સહિતના વિસ્તારોમાં સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ગતિ પણ ધીમી રહી અને સામાન્ય દિવસોની સરખામણીએ વાહનોની અવરજવર ઓછી જોવા મળી હતી.

હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગ દ્વારા જાહેર કરાયેલા નાઉકાસ્ટ મુજબ રાજ્યના 18 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, નવસારી અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા વચ્ચે જિલ્લા તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *