
સુમરાસર (શેખ)ની સીમમાં ધમધમતા પશુ કતલખાના પર LCBનો દરોડો, 40 કિલો માંસ સહિત મુદ્દામાલ જપ્ત
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ગામની સીમમાં ચાલી રહેલા કથિત ગેરકાયદેસર પશુ કતલખાના પર સ્થાનિક ગુના શાખા (LCB)ની ટીમે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી પશુનું માંસ, કતલ માટે વપરાતા સાધનો, મોબાઇલ ફોન અને વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે સુમરાસર (શેખ) ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન **આદમ અલીમામદ કુંભાર (રહે. સુમરાસર-શેખ)**ને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી અંદાજે 40 કિલોગ્રામ પશુનું માંસ (કિંમત રૂ. 2,000), એક કુહાડી, બે ધારદાર છરી, વજનકાંટા અને વજનિયા, બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 1,000) તેમજ આશરે રૂ. 1 લાખ કિંમતનું વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ મામલે આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી LCBના એએસઆઈ પંકજકુમાર કુશ્વાહ, અનિરુદ્ધસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ, નવીનકુમાર જોશી, રાજેન્દ્રસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
