
ભુજમાં કચ્છ કાર્નિવલનો રંગેચંગે શુભારંભ, 1200થી વધુ કલાકારોએ સંસ્કૃતિની ઝલક રજૂ કરી
ભુજ: કચ્છી નવા વર્ષ અષાઢી બીજના પાવન અવસરે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ કાંઠે કચ્છ કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થયો. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્નિવલમાં 1200થી વધુ કલાકારોએ 48 ભવ્ય ફ્લોટ અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિનું જીવંત પ્રદર્શન કર્યું.
પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો કચ્છ કાર્નિવલ આજે કચ્છની આગવી ઓળખને દેશ-વિદેશ સુધી પહોંચાડતો ઉત્સવ બની ગયો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાનના વિકાસ વિઝનથી કચ્છમાં મૂળભૂત સુવિધાઓ તથા રોજગારીના નવા અવસર ઉભા થયા છે.

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે કચ્છ કાર્નિવલ કચ્છની સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ અપાવતો ઉત્સવ છે. વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી આ પરંપરા આજે વધુ વ્યાપક બની રહી છે અને કચ્છની લોકકલા તથા વારસાને નવી ઓળખ મળી રહી છે.

સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે અષાઢી બીજ દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છીઓનો લોકોત્સવ છે. તેમણે કહ્યું કે રાજાશાહી સમયથી ચાલી આવતી આ પરંપરાને જીવંત રાખવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. છેલ્લા બે વર્ષથી કચ્છ કાર્નિવલ ફરી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે.
મહાદેવ ગેટથી શરૂ થયેલા કાર્નિવલમાં કચ્છ, ગુજરાત અને અન્ય રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતા 48 ફ્લોટ રજૂ કરવામાં આવ્યા. કચ્છ ઢોલી, કચ્છી રાસ, ટિપ્પણી રાસ, યોગાસન, કચ્છી બોલી, અષાઢી બીજ યાત્રા સહિતની અનેક સાંસ્કૃતિક રજૂઆતો લોકઆકર્ષણનું કેન્દ્ર બની. હમીરસર કાંઠે સાંજે યોજાયેલા સંગીત અને લોકસાહિત્યના કાર્યક્રમોમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર વાતાવરણ કચ્છીયતના રંગમાં રંગાઈ ગયું હતું અને કચ્છી નવા વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, રાજવી પરિવારના સભ્યો, વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કચ્છવાસીઓ અને ભુજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


