
કોંગ્રેસમાં આ વખતે પણ ગત વખતની જેમ એકસાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ પેદા થઈ છે ત્યારે ગઈકાલે મોહનસિંહ રાઠવા બાદ આજે તલાળાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે ત્યારે મોટા દિગ્ગજો જે અત્યાર સુધી જીતતા આવ્યા હતા તેઓ જ ભાજપમાં જોડાતા કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. ત્યારે મીડીયા સમક્ષ આ મામલે નિવેદન આપતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે કહ્યું કે, ભાજપની યાદી જાહેર થયા બાદ ભાજપમાં ખળભળાટ મચી જશે.

વધુમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપનું સંગઠન હચમચી ગયું છે. ભાજપ પહેલા દિવસથી કોંગ્રેસને તોડીને ચૂંટણી લડવા માંગે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના લોકોને કોંગ્રેસથી દૂર કરવા માટે લઈ જાય છે. હું તેમને પણ મળી રહ્યો છું જેમના અંગત પ્રશ્નો છે. ગમે તે થાય કોંગ્રેસની બીજી યાદીમાં કોઈ વિલંબ થશે નહીં. આ સાથે કહ્યું કે, ટૂંક સમયમાં ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાકની ટિકિટ કાપવામાં આવી

પ્રદેશ પ્રમુખે કહ્યું કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કેટલાકની ટિકિટ કાપવામાં આવી છે. અમે ભાજપના ઉમેદવારને ટિકિટ નહીં આપીએ. ટિકિટ અંગે કાર્યકરોને પૂછ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પણ છેલ્લા દિવસ સુધી ફોર્મ પરત ન આવે તેની તકેદારી રાખી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને કેટલાક ભાજપમાંથી કોંગ્રેસમાં નેતાઓ જોડાયા છે ત્યારે તેઓ કોઈક શરત સાથે જ જોડાયા હોઈ શકે છે. જેથી તેમને ટિકિટ મળે તેવી શક્યતાઓ વચ્ચે કોંગ્રેસમાં પણ નેતાઓમાં નારાજગી છે.