
સ્વ. ડૉ. મણિભાઈ દેસાઇ (ઉરલીકાંચન, પુણે)ના અંત્યોદયના સ્વપ્નોને સાકર કરવા બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ હરણફાળ ભરી રહયું છે. ખેડૂતોને સજીવ- પ્રાકૃતિક-સેંદ્રિય- ગાય આધારિત ખેતી તરફ વાળવાનો સમય પાકી ગયો છે. ખેતી ઉત્પાદનમાં ખર્ચ ઘટાડવા સઘન પ્રયાસો થવા જરૂરી છે. ટપક સિંચાઈ પદ્ધતિ ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપી શકે છે. બાયફના આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ગૌશાળામાં દેશી ગાયો પાળી ફાર્મ ઉપર જીવામૃત બનાવી તેનાં સઘન ઉપયોગ માટે છેવાડાના ખેડૂતો સુધી માર્ગદર્શન આપી અમલ કરવો જરૂરી છે. કેવીકે ચાસવડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ શ્રી જયંતિભાઈ મોરીના માર્ગદશન હેઠળ જે કામગીરી કરી રહયા છે તે સરાહનીય છે. ઉપરોકત શબ્દો નવસારી કૃષિ યુનિવર્સિટિના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. સી.કે. ટિંબડિયાએ બાયફ કેવીકે ચાસવડ ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતીના મુખ્ય મહેમાન પદેથી ઉચ્ચાર્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બાયફના ચીફ પ્રોગ્રામ એકઝીક્યુટીવ. શ્રી જયંતિભાઈ મોરીએ બાયફ સંસ્થા દ્વારા ચાલતી ગામ વિકાસની પ્રવુતિઓ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે પોષક તત્વો આધારિત ખેતી કરવા ઉપર તેમજ સોર્ટેડ સિમેનની અઘતનકૃષિ ટેક્નોલોજી અપનાવવા હાકલ કરી હતી. ખેતીમાં મજૂરોના પ્રશ્નોને ધ્યાનમાં રાખતા કૃષિ યાંત્રિકરણ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવા પર ભાર મૂક્યો હતો.
બાયફ કેવીકે ચાસવડના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી મહેન્દ્રભાઈ પટેલે સૌનું શાબ્દિક તથા પુષ્પ્ગુછથી અભિવાદન કરી મહેમાનોને અહી ચાલતી કામગીરીનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો હતો. તેમણે ગત વર્ષે સમિતિ દ્વારા થેયેલા સૂચનોના અમલ અંગે તથા આગામી વર્ષમાં કેન્દ્ર દ્વારા હાથ ધરાનાર વિવિધ કાર્યક્રમોની વિગતે છણાવટ કરી હતી.આ કેન્દ્રના વિવિઘ વિષયના વૈજ્ઞાનિકો તથા ફાર્મ મેનેજર દ્વારા પોતાના વિભાગની કામગીરી અંગે વિગતવાર –આંકડાઓ સહિતની માહિતી પ્રદાન કરી હતી.
આ પ્રસંગે ભરૂચના ખેતીવાડી કોલેજના એગ્રોનોમી વિભાગના વડા અને સંશોધન વિજ્ઞાનિક ડૉ. ડી.ડી. પટેલ, બાગાયત વિભાગના વડા અને સંશોધન વિજ્ઞાનિક ડૉ. ડી. કે. શર્મા, ભરૂચ જીલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જીગરભાઈ ભટ્ટ, નાયબ ખેતી નિયામક શ્રી વિજયસિંહ સોલંકી, આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી પી. એસ. રાંક, મદદનીશ ખેતી નિયામક શ્રી બી. એસ. પંચાલ, નાબાર્ડના શ્રી અનંત વર્ધન, બાગાયત અધિકારી શ્રી પ્રણયભાઈ પાઠક તથા જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ખેડૂતોએ કેવિકેથી પોતાને થયેલા ફાયદા અંગે વાતો કરી હતી અને કેટલીક મુશ્કેલીઓના નિવારણ માટે રજૂઆત કરી હતી.
સૌ ઉપસ્થિતોએ ચાસવડ બાયફ કેવિકેના ફાર્મમાં વિવિધ નિદર્શન એકમોની મુલાકાત કરી હતી. આશરે ૮૦ એકર જમીનના ફાર્મ પર કૃષિ વિષયક આધુનિક ટેક્નોલોજીની પ્રાયોગિક ધોરણે ખેડૂતોને અવગત કરાય છે. શ્રી મહેન્દ્રભાઇ પટેલે અંતમાં સૌનું ઋણ સ્વીકાર કરી કૃષિ વિજ્ઞાનિકોના સલાહ સૂચનોના અમલની ખાત્રી ઉચ્ચારી હતી.