દેશના પ્રથમ એવા ગ્રીન બિલ્ડિંગ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ, એ.સી. વેઇટિંગ રૂમ, સેલ્ફી ઝોન અને ગાર્ડનની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ

દેશના પ્રથમ ગ્રીન બિલ્ડિંગ કેવડિયા રેલવે સ્ટેશનનું પીએમ મોદીએ આજે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. કેવડિયા સ્ટેશન એ ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે જેણે ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવ્યું છે. કેવડિયા રેલવે સ્‍ટેશન ખાતે એક્ઝિક્યુટિવ લોન્જ, રીટાયરિંગ રૂમ, એ.સી. વેઇટિંગ રૂમ, પ્રવાસી સ્‍વાગત કક્ષ સહિત દિવ્‍યાંગો અને વરિષ્‍ઠ નાગરિકો માટે રેમ્‍પની સુવિધા ઊભી કરવામાં આવી છે. રેલવે સ્‍ટેશન ખાતે ઇલેક્ટ્રીક ટ્રેન ઇન્‍ડીકેટર, CCTV સહિત જીપીએસ એનેબલ્‍ડ ક્લોકની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે.

સેલ્‍ફી ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્‍લેઇંગ એરીયાની વ્યવસ્થા છે
દેશના સૌપ્રથમ ડોમગ્રીન બિલ્‍ડિંગ એવા આ રેલવે સ્‍ટેશનમાં સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીની સરદાર પટેલની 12 ફૂટ ઊંચી રેપ્‍લીકા મૂકવામાં આવી છે. સ્‍ટેશન ખાતેની વ્‍યૂ ગેલેરીથી પ્રવાસીઓ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીનો નજારો માણી શકશે. આ નવીન રેલવે સ્‍ટેશનમાં સેલ્‍ફી ઝોન, ગાર્ડન, બાળકો માટે પ્‍લેઇંગ એરીયા સહિત ફૂડકોર્ટ અને પાર્કિંગની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે.

સીએમ અને રાજ્યપાલે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી
કેવડિયા ખાતે રેલવેના વિવિધ પ્રકલ્પોના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનું પરંપરાગત આદિવાસી નૃત્‍ય દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. સંતો દ્વારા વૈદિક મંત્રોચ્‍ચારનું ગાન કરવામાં આવ્‍યું હતું. રાજ્‍યપાલ અને મુખ્‍યમંત્રીએ કેવડિયા રેલવે સ્‍ટેશન પરિસરની મુલાકાત લીધી હતી. રેલવેના અધિકારીઓએ નવીન રેલવે સ્‍ટેશનની વિગતોથી બન્નેને વાકેફ કર્યા હતા.

લોકાર્પણ પ્રસંગે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર હાજર રહ્યા હતા
છોટા ઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, મુખ્‍ય અગ્ર સચિવ કે.કૈલાસનાથ, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્‍તા, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, નર્મદા કલેક્‍ટર ડી.એ.શાહ તથા રેલવેના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *