માંડવી શિરવા ગામમાં તંત્રની મોટી કાર્યવાહી: 1300 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત

માંડવી શિરવા ગામમાં તંત્રની મોટી કાર્યવાહી: 1300 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત

માંડવી: કચ્છ જિલ્લા કલેક્ટર તથા મુંદરા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના શિરવા ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન અંદાજે 1300 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હતી.

શિરવા ગામના સરકારી સર્વે નંબર 408 પૈકીની જમીનમાં આશરે 1300 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને ઉપયોગ કરવામાં આવતો હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. તપાસ દરમિયાન જમીનના આશરે 700 ચોરસ મીટર વિસ્તારમાં રહેણાક મકાન, પતરાવાળો શેડ અને બે દુકાનો ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

જ્યારે બાકીના આશરે 600 ચોરસ મીટર વિસ્તારમાં બે ગોડાઉન જેવા રૂમો બનાવી તેમની આસપાસ દીવાલ ઊભી કરવામાં આવી હતી. આ રીતે સરકારી જમીનનો બિનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું જણાતા મહેસૂલ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તંત્રના જણાવ્યા મુજબ, જંત્રીના આધારે દબાણ હેઠળ આવેલી સરકારી જમીનની અંદાજિત કિંમત રૂ. 6.50 લાખ જેટલી થતી હતી.

મહેસૂલ તંત્રની હાજરીમાં કાર્યવાહી

દબાણ હટાવવાની કામગીરી મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર (દબાણ) તેમજ મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

તંત્રની કાર્યવાહી બાદ સરકારી જમીન પરથી બાંધકામો અને અન્ય દબાણો દૂર કરી કુલ 1300 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સરકારી જમીન ઉપર થયેલા અનધિકૃત દબાણો સામેની આ કાર્યવાહીથી તંત્ર દ્વારા સરકારી મિલકતનું રક્ષણ કરવા કડક વલણ અપનાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ થયું છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *